નડિયાદ: નડિયાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ખંડેર હાલતમાં ફેરવાયેલાં ટાઉનહોલની જગ્યા પર જિલ્લા ગ્રંથાલય બનાવવાની માંગ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના લિગલ સેલના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
નડિયાદ શહેરમાં રેલ્વેસ્ટેશન સામે આવેલ જુની સબ જેલની પાસે ટાઉનહોલ આવેલો છે. વર્ષો પહેલાં આ ટાઉનહોલમાં વિવિધ કાર્યક્રમો યોજાતાં હતાં. પરંતુ, પાલિકાતંત્રની બેદરકારીને પગલે આ ટાઉનહોલ છેલ્લાં પંદરેક વર્ષથી ખંડેર હાલતમાં ફેરવાયો છે. હાલ, આ ટાઉનહોલની આગળની ખુલ્લી જગ્યાનો પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તો વળી, ટાઉનહોલની પાછળના ભાગ શૌચાલય જવા માટે થઈ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે આ જગ્યામાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ધમધમી રહી છે. શહેરના મધ્યમાં આવેલી મહામુલી જગ્યાનો આવો દુરઉપયોગ થતો હોવા છતાં પાલિકાતંત્રની આંખ ઉઘડતી નથી. આથી, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના લિગલ સેલના પ્રમુખ જે.જી તલાટીએ આ ટાઉનહોલની જગ્યા પર જિલ્લા ગ્રંથાલય બનાવવાની માંગ સાથે કલેક્ટરને રજુઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, સાક્ષરભુમિ નડિયાદના સાક્ષરો જગવિખ્યાત છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા.મુનશી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ વગેરેની તપોભૂમિ નડિયાદ છે. તદુપરાંત ઈન્દુલાલ યાજ્ઞિક, મણીભાઈ ત્રિવેદી સહિતની હસ્તિઓએ નડિયાદને કર્મભૂમિ બનાવી હતી. ખેડા જિલ્લાનું વડુમથક પણ નડિયાદ શહેર જ છે. જ્યાં અસંખ્ય કોલેજો, યુનિવર્સિટીઓ તથા બહુવિધ વિષયોનું શિક્ષણ આપનાર સંસ્થાઓ અસ્થિત્વમાં છે. આ સંજોગોમાં શહેરમાં ગ્રંથાલયનું મહત્વ કેવું અને કેટલું હોય તે સમજી શકાય છે. માટે ટાઉનહોલની જગ્યા ગ્રંથાલય માટે ફાળવવામાં આવે તેવી માંગ છે.
૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી, પરંતુ જગ્યાના બહાને ગ્રંથાલય બનાવાતું નથી
નડિયાદ શહેરમાં અદ્યતન ગ્રંથાલય બનાવવા માટે સરકાર તરફથી ૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે, છેલ્લાં ઘણાં વર્ષોથી તંત્ર દ્વારા જગ્યાના બહાના કાઢી ગ્રંથાલય બનાવવામાં આવતું નથી. જેને પગલે આ ગ્રાન્ટ વણ વપરાશે પડી રહી છે અથવા તો ગ્રાન્ટ પરત મોકલી દેવી પરિસ્થિતીનું નિર્માણ ઉભુ થયું છે. આમ તંત્રના વાંકે શહેરની વાંચનપ્રિય જનતાને અદ્યતન ગ્રંથાલયથી વંચિત રહેવું પડ્યું છે.
પાલિકાના સત્તાધીશોએ ટાઉનહોલની ટીકીટ બારી ગેરકાયદેસર રીતે ભાડે આપી દીધી હતી
નડિયાદમાં ખંડેર હાલતમાં ફેરવાયેલો ટાઉનહોલ છેલ્લાં ઘણાં વર્ષોથી બિનઉપયોગ બન્યો છે. સન ૨૦૧૯ ની સાલમાં ટાઉનહોલની ટીકીટ બારીની ઓરડી ઠરાવ કરી ભાડે આપવાનો નિર્ણય પાલિકાતંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણય કર્યાના દોઢેક વર્ષ પહેલાં જ પાલિકાના જે તે વખતના સત્તાધીશો અને અધિકારીઓએ ઠરાવ કર્યાં વગર જ ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે આપી દીધી હતી અને તેનું શોપ એક્ટ લાઈસન્સ પણ ઈશ્યુ કરી દેવામાં આવ્યું હતું. જેથી દુકાન પણ ધમધમવા લાગી હતી. જોકે, આ મામલે ભારે વિવાદ સર્જાતાં પાલિકાતંત્રએ નાછુટકે ટીકીટબારીની ઓરડી સીલ કરવી પડી હતી.