આણંદ તા.2
આણંદ શહેર પોલીસ મથકે 2014ના વર્ષમાં રૂ.92 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જે તે સમયે તપાસ અધિકારી સહિત કોર્ટના આદેશ બાદ એલસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ કેસમાં ભોગ બનનારને પુરા નાણા મળ્યાં નથી. બીજી તરફ પોલીસે એક કરોડ રોકડ તથા 100 તોલા સોનાના દાગીના જપ્ત કરવા છતાં દેખાડ્યાં ન હોવાના આક્ષેપ સાથેની અરજી હાઈકોર્ટમાં કરતા બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં બબ્બે વખત તપાસ છતાં ન્યાય ન મળતાં ચર્ચાનો વિષય બન્યો છે.
આણંદમાં છેતરપિંડીનો ભોગ બનનાર રોહિણીબહેન પટેલ તથા લતાબહેન મકવાણાએ હાઈકોર્ટમાં રજુઆત કરતાં જણાવ્યું હતું કે, આણંદ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વી. રાઠોડ, સર્કલ ઇન્સ્પેક્ટર એમ.આઈ. પ્રજાપતિ, હેડ કોન્સ્ટેબલ એસ.વી. રાઠોડ અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરી સામે ગુનો નોંધી કાયદેસર યોગ્ય તપાસ કરવા માગણી કરી હતી. આ ઉપરાંત કેસની યોગ્ય તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીની નિમણૂંક કરી સીબીઆઈને તપાસ સોંપવા અરજ કરી હતી.
આ અરજમાં આક્ષેપ કર્યો હતોકે, આણંદ પોલીસે કરેલી તપાસ ખોટી અને ગેરકાયદેસરની છે. પોલીસે છઠ્ઠી સપ્ટેમ્બર,2014ના રોજ ચાર્જશીટ ફાઇલ કરી છે. જે તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓ મુંબઇ જઇને મુળ આરોપી પાસેથી આશરે એક કરોડ રૂપિયા જેવી રોકડ, આશરે સો તોલા સોનુ તથા સોનાના દાગીના રિકવર કર્યાં હોવા છતાં પંચનામામાં દર્શાવ્યાં નથી અને ઉચાપત કરી છે. જાણી જોઇને ખોટી ચાર્જશીટ દર્શાવેલી છે અને કેસ લુલો કરી દેવામાં આવ્યો છે. કોર્ટે 31મી ડિસેમ્બર 2015ના રોજ મંજુર કરેલી અને તેવી તપાસ ફરીથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી, એસ.વી. રાઠોડ અને અન્ય પોલીસ અધિકારીએ ખોટા નિવેદન નોંધીને વધુ તપાસનો ખોટો અને ગેરકાયદેસર રિપોર્ટ 20મી ઓગષ્ટ,2020ના રોજ રજુ કર્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, મુખ્ય સાક્ષી પ્રશાંત નારાયણ સોનાવલે તથા મનોજ બંસીલાલ કોરીએ એફિડેવીટ કરી જણાવ્યું હતું કે, તેમના સ્ટેટમેન્ટ ખોટી રીતે રેકોર્ડ કરવામાં આવેલા છે અને તેઓએ જણાવેલ હતું કે, 3જી ડિસેમ્બર,2014ના રોજ જ્યારે આણંદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ મુંબઇ મુકામે આવીને મીનાબહેન ઉર્ફે દક્ષાબહેન ઉર્ફે નીતાબહેન સુરેશભાઈ પટેલના ઘરે રીકવરી પંચનામું કર્યું ત્યારે તેઓની હાજરીમાં તપાસનીસ અધિકારીઓએ એક બ્લેક કલરની બેગમાં ખૂબ જ મોટી રકમની રોકડ – કેસ તથા સોનાના દાગીના તેઓની હાજરીમાં રિકવર કરેલા હતા. તેવું તેઓએ તેમના સ્ટેટમેન્ટમાં જણાવેલું હતું. આમ છતાં તે અંગેની કોઇ નોંધ તેમના સ્ટેટમેન્ટમાં કરી નહતી. આમ ફરી તપાસનીશ અધિકારીએ પણ જાણી જોઇને મુળ આરોપીઓને બચાવવા તથા પ્રથમ વાર તપાસ કરનારા અધિકારીઓને બચાવવા ખોટો અને ગેરકાયદેસરનો તપાસ રિપોર્ટ રજુ કરીને ગેરકાયદેસરનું કૃત્યુ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટનું તેડું આવ્યું છે.
આણંદમાં છેતરપિંડી કેસમાં CBIની તપાસની માંગ
By
Posted on