સુરત: સુરત શહેર માટે અત્યંત મહત્ત્વના એવા આઉટર રિંગ રોડ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ માટે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ તેમજ મનપા કમિશનર શાલિની અગ્રવાલે નાણામંત્રી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી અને તાકીદે ગ્રાંટની ફાળવણીની માંગ કરી હતી.
- મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને મનપા કમિશનરે નાણામંત્રીની મુલાકાત લઈ રજૂઆત કરી
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કુલ 17.31 કિલોમીટરનો રૂટ સમાવેશ થાય છે, જેને ડેવલપ કરવા માટે રૂ.486 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રોડવર્ક, વ્હીકલ અંડરપાસ, ડીસ્ટ્રક્ચર અને ફ્લાયઓવર બ્રિજ જેવી કામગીરી અગાઉનાં વર્ષોમાં પૂર્ણ થવાની હતી, પણ હજુ સ્થળ પર કામગીરી ચાલુ છે.
કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદે ટેન્ડર બહાર પાડી શાસકો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગી રહ્યા છે. શાસકો દ્વારા ગ્રાંટની રકમ અંદાજે 300થી 400 કરોડ રીલીઝ કરાવવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ માંગ કરી હતી.
આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યો છે. 2019થી આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2023માં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની વાત કરી હતી, પરંતુ તે વાતને પણ 2 વર્ષ વિતી ગયા બાદ પણ હજી પ્રોજેક્ટનું મોટા ભાગનું કામ બાકી છે.
મનપા કમિશનર શાલિની અગ્રવાલે ફેઝવાઈઝ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ પણ પ્રોજેક્ટનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. જેને લઈ તાકીદે ટેન્ડરો બહાર પાડવા શાસકોએ રાજ્ય સરકાર માટે ગ્રાંટની ફાળવણીની માંગ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા સાઉથ રિજિયન માટે ખાસ સ્પેશિયલ ઈકોનોમિક રિજિયન અંતર્ગત નાણાંની ફાળવણી કરી છે, જેમાંથી સુરત શહેરને પણ સાઉથ રિજિયન અંતર્ગત આ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ માટે ફાળવણી કરવામાં આવે તેમ જણાવાયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માર્ગોમાં લગભગ 10 કિલોમીટરના અંતરમાં ઘટાડો થશે. આઉટર રિંગ રોડ સાકાર થતાં ગઢપુર રોડ, સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા અને કોસાડ જેવા વિસ્તારો સાથે નવી કનેક્ટિવિટી મળશે.