રાજ્યમાં કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટના થોડાક કેસો જોવા મળ્યા છે. જેના પગલે સરકાર દ્વારા આ બે વેરિયન્ટના વાઈરસની તપાસ કરાવી રહી છે, તેમ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું.
ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના વડા અગ્રવાલે કહ્યું હતું કે કપ્પા અને ડેલ્ટા વાયરસ જરૂર ગુજરાતમાં મળ્યો છે, આ અંગે તકેદારી રાખવામાં આવી છે. પરંતુ કપ્પા વેરિયન્ટ હાલ આઇસીએમઆર માટે પણ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કપ્પા વેરિયન્ટ હાલ સુધી ઘાતક હોવાનું સાબિત થયું નથી. તેમ છતાં પણ આ વેરિયન્ટ જ્યાંથી મળી આવ્યો હોય ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ સજ્જડ રીતે કરવામાં આવી રહ્યું છે.
અગ્રવાલે કહ્યું હતું કે કપ્પા વેરિયન્ટ હજુ ઘાતક સાબિત થયો નથી. ડેલ્ટા વેરિયન્ટમાં ફેરફાર થતાં કપ્પા વાયરસ મળ્યો છે. રાજ્ય સરકારે આ બાબતની કાળજી રાખી છે. જે કેસો મળે છે તેના સેમ્પલ લેવાય છે અને તેની તપાસ થાય છે. કપ્પા વેરિયન્ટના જૂજ કેસ મળ્યા છે અને કોન્ટેકટ ટ્રેસિંગ થઈ રહ્યું છે. કપ્પા વેરિયન્ટના કેસમાં દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે.
બનાસકાંઠાના બીએસએફના જવાનો નાગાલેન્ડથી આવ્યા હતા. તેમના જીનોમ સિક્વન્સ મોકલાયા હતા. ડેલ્ટા વેરિએન્ટ એમા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના હજી ગયો નથી, નાગરિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, માસ્ક, હાથ ધોવા વગેરે બાબતોની ખાસ કાળજી રાખવી. જો આ નિયમો પાળીશું તો કોરોનાની ચેઇન તૂટી શકશે.
રેગિંગ કરનારાઓ વિરૂદ્ધ કડક પગલા લેવાશે
વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં રેગિંગનો કેસ સામે આવ્યો તે અંગે મનોજ અગ્રવાલે જણાવ્યું કે, રેગિંગ પ્રતિબંધિત પ્રવૃતિ છે. જેથી રેગિંગ કરનારાઓ વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે. આ પ્રકારની રેગિંગ યોગ્ય નથી. સંડોવાયેલા વિદ્યાર્થીઓની સામે પગલા લેવામાં આવશે