National

દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક બોમ્બ બલાસ્ટ બાદ પોલીસને એક પત્ર મળ્યો, શું હતું એ પત્રમાં

નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા છે. પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક પત્ર મળ્યો છે, જેમાં લખ્યુ છે કે, ‘આ તો ફક્ત ટ્રેલર (trailer) છે.’. પત્રમાં ઈરાનના જનરલ કસીમ સોલેમાની (Gen. Qassem Soleimani) અને ઇરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફાખરીઝાદેહનો (nuclear scientist Mohsen Fakhrizadeh) શહીદ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે ગત વર્ષે બંનેની હત્યા કરવામાં આવી હતી.

3 જાન્યુઆરી 2020 ના રોજ યુ.એસ.ના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા આદેશ કરાયેલા હવાઈ હુમલામાં કસિમ સોલેઇમાનીની હત્યા બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક કરવામાં આવી હતી. જનરલ કસીમ સોલેમાની ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી કમાન્ડર હતા. મોહસેન ફખરીઝાદેહ, ઇરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકની 27 નવેમ્બર 2020 ના રોજ હત્યા કરવામાં આવી હતી. તેહરાનમાં સેટેલાઇટ નિયંત્રિત મશીનગનનો ઉપયોગ કરીને મોહસેન ફખરીઝાદેહની હત્યા કરવામાં આવી હતી. ઈરાને તેના ટોચના નેતાઓ પર થયેલા હુમલા માટે ઇઝરાઇલને દોષી ઠેરવ્યું છે.

શુક્રવારે સાંજે દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક એક ઓછી તીવ્રતાવાળો બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં કોઈ મોટું નુકસાન થયું ન હતું. આ બોમ્બ વિસ્ફોટથી નજીકની ત્રણ કારની બારીઓ તૂટી ગઈ હતી, જો કે કોઈને ઈજા થઈ નથી. દિલ્હીમાં શુક્રવારે એપીજે અબ્દુલ કલામ રોડ નજીક સાંજે 5.05 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. દિલ્હી પોલીસનું (Delhi Police) કહેવુ છે કે આ બ્લાસ્ટ ફક્ત ધ્યાન આકર્ષિત કરવાના પ્રયાસરૂપે કરવામાં આવ્યો હોય એવુ લાગે છે. જાણવા મળ્યુ છે કે વિસ્ફોટક ઝાડીઓ વચ્ચે રાખવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમાપનમાં બીટિંગ રીટ્રીટ સમારોહમાં કેટલાક કિલોમીટર દૂર હાજર હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના ઇઝરાયલી સમકક્ષ ગબી અશ્કનાઝી સાથે વાત કરી હતી અને તેમને રાજદ્વારીઓ અને મિશનને સંપૂર્ણ રક્ષણ આપવાની ખાતરી આપી હતી. જણાવી દઇએ કે આ બ્લાસ્ટ બાદ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ (UP) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા માટે ખૂણે ખૂણે નજર રાખી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ( HM Amit Shah) આ બ્લાસ્ટ બાદ હાઇ લેવલ મીટિંગ બોલાવી છે. સાથે જ અમિત શાહે પોતાનો પશ્વિમ બંગાળનો પ્રવાસ પણ રદ કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top