બારડોલી : ૧૮૧ મહિલા હેલ્પલાઈન-બારડોલી ટીમને કડોદરા ખાતે એક અજાણી મહિલા (Women) ગભરાયેલી અવસ્થામાં ફરતી હોવાનો કોલ (Call) મળ્યો હતો. જેના આધારે અભયમ રેસ્ક્યુ ટીમે દર્શાવેલા સ્થળે પહોંચી આ મહિલાને શોધી કાઢી હતી અને તેને સાંત્વના આપી તે સુરક્ષિત (Safe) હોવાનો વિશ્વાસ સંપાદીત કર્યો હતો. તેની પૂછપરછ કરતા તે મૂળ દિલ્હીની (Delhi) હોવાનું બહાર આવ્યું હતું. અભયમ ટીમે કડોદરા પોલીસ સ્ટેશનના (Police Station) સહયોગથી મહિલાનો દિલ્હી સ્થિત પતિ સાથે સંપર્ક કરાવી તેઓ સુરત (Surat) લેવા માટે આવે ત્યાં સુધી મહિલાને સુરક્ષિત આશ્રય આપ્યો હતો.
ગભરાયેલી હાલતમાં રહેલી આ મહિલાનું અભયમે કાઉન્સેલિંગ કરતા તેણે કહ્યું કે, હું કમ્પ્યુટર કલાસમાં જઈ રહી હતી, એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરી ધમકાવ્યા બાદ મારૂ અપહરણ કરી અશુદ્ધ અવસ્થામાં દિલ્હીથી ટ્રેનમાં બેસાડી સુરત લઈ આવ્યો હતો. હોશમાં આવ્યા બાદ રેલ્વે સ્ટેશનથી જીવ બચાવવા હું કડોદરા જતી રિક્ષામાં બેસી ગઈ હતી. મહિલાના પતિ અને પરિવારે રાજ્ય સરકારની ૧૮૧ સેવા અને પોલીસ વિભાગની પ્રશંસા કરી આભાર માન્યો હતો.
‘તમારા પૈસા નીચે પડી ગયા છે’ કહી ગઠીયો નિવૃત્ત મહિલા પેન્શનરના 20 હજાર ચોરી ગયો
પારડી : પારડી તાલુકાના સુખેશ ગામે રામપોર ફળિયા ખાતે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા કુંતાબેન સોમાભાઈ નાયક (ઉવ 62) બુધવારે પારડી ચાર રસ્તા સ્થિત આવેલી બેંક ઓફ બરોડામાં પેન્શનના નાણાં ઉપાડવા માટે આવ્યા હતા. જ્યાંથી મહિલાએ 20 હજાર ઉપાડ્યા બાદ પરત ઘરે જતા પહેલા બેંક નજીક રામચોક સ્થિત આવેલી ફ્રુટની લારી ઉપર ફ્રુટ લેવા ઉભા રહ્યા હતા ત્યારે ગ્રાહકના સ્વાંગમાં લારી ઉપર આવેલો ગઠિયો ‘તમારા પૈસા નીચે પડી ગયા છે’ તેવું કહી મહિલાની નજર ચુકવી થેલામાંથી 20 હજારની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. ત્યારે પારડીમાં લોકોની સતત અવરજ્વર વાળા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને મહિલાની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મહિલાના પૈસા ચોરી કરી ભાગતો ગઠિયો સીસી ટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે સીસી ટીવી કેમેરાનાં ફૂટેજ મેળવી પોલીસે ગઠિયા સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.