પલસાણા: ગઇકાલે દિલ્હીના (Delhi) મંત્રી રાજેન્દ્ર પાલનો (Rajendra Pal) ધર્માંતરણનો (Conversion) વિડીયો (Video) વાયરલ થયો હતો. જે બાદ હિન્દુ-દેવતા (Hindu-God) મુદ્દે અપમાનીત ટિપ્પણી કરાતાં પોસ્ટરમાં લખાણ સાથેનાં બેનરોએ (Banners) સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ત્યારે આજે કડોદરા ખાતે જાહેરસભામાં આવનાર કેજરીવાલની સભા અગાઉ કડોદરામાં (Kadodara) પણ ઠેર ઠેર કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ જોવા મળ્યાં હતાં.ગતરોજ દિલ્હીના મંત્રીના ધર્મવિરોધી ટિપ્પણી બાદ ભાજપને ચૂંટણી પહેલાં મુદ્દો મળી ગયો હોય તેમ સમગ્ર ગુજરાતમાં અનેક જાહેર સ્થળોએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યાં છે. આપના મંત્રી રાજેન્દ્ર પાલના સામૂહિક ધર્માંતરણના વિડીયો બાદ ધર્મપ્રેમી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેર સભા પહેલાં રાજકારણ ગરમાયું હતું
જેને લઇ ઠેર ઠેર આપના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં પોસ્ટર વોર શરૂ થયું છે. ત્યારે આજે કડોદરાસ્થિત અકળામુખી હનુમાન મંદિરે યોજાનારી આપની જાહેર સભા અગાઉ ધર્મપ્રેમી લોકોએ આપના વિરોધમાં અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં હું બ્રહ્મા વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં તેવાં બેનરો કડોદરા વિસ્તારમાં જોવા મળ્યાં હતાં. ત્યારે આપની જાહેર સભા પહેલાં રાજકારણ ગરમાયું હતું. જેને લઇ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.
કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર
આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા આવી રહ્યા છે. તેઓ વડોદરામાં તિરંગા યાત્રા પણ કાઢશે. શહેરના ભગતસિંહ ચોકથી કીર્તિ સ્થંભ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો તિરંગા યાત્રામાં જોડાશે. ત્યારે આ તિરંગા યાત્રામાં ધર્માંતરણની ઘટનાને લઈને વિરોધ થઈ શકે છે. ભાજપે ગઈકાલે લોકોને અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા અપીલ કરી હતી. ત્યારે આપની આજે તિરંગા યાત્રામાં લોકો વિરોધ કરી શકે છે. જો કે આ પહેલા જ અનેક આપ પાર્ટી વિરુદ્ધ પોસ્ટરો લાગતા ચુંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી હતી. સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ થયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે.