નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઉત્તર પ્રદેશ પોલીસને રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી હુમલાની ધમકીના ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ દિલ્હીને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (ઈન્ડિયા સેલ) દ્વારા એક અનામી ઈમેલ કેટલાક લોકોને મળ્યો હતો જેણે યુપી પોલીસને તેના વિશે જાણ કરી હતી. યુપી પોલીસે આ ઈમેલ વિશેની વિગતો દિલ્હી પોલીસને મોકલી છે ધમકીનો મેલ કરનારી વ્યક્તિ તહરીક-એ-તાલિબાન ઈન્ડિયા સંગઠન સાથે જોડાયેલી છે. યુપી પોલીસના એક અધિકારીએ કહ્યું કે ભલે દિલ્હી માટે ધમકી મળી હોય, પરંતુ અમે યુપીમાં પણ સતર્ક રહેવા કહ્યું છે.
ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ
દિલ્હીમાં સુરક્ષા વધારવાની સાથે પોલીસ મેલ મોકલનારને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મેલ મોકલનારની ઓળખની સાથે મેલમાં કરવામાં આવેલા દાવાની સત્યતા પણ જાણવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમ સર્ચ-ઓપરેશનમાં લાગેલી છે.
સરોજની નગર માર્કેટમાં તપાસ
દરમિયાન, ઇનપુટ્સ પર કાર્યવાહી કરતા, દિલ્હી પોલીસે ગઈકાલે નવી દિલ્હીના સરોજની નગર માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી. સરોજિની નગર મીની માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અશોક રંધાવાએ ગઈકાલે કહ્યું હતું કે કેટલાક સુરક્ષા જોખમને કારણે બજારો બંધ રહેશે. “કેટલાક સુરક્ષા જોખમને કારણે. દિલ્હી પોલીસને બજારો બંધ કરાવવા અને કડક તકેદારી રાખવાના આદેશો મળ્યા છે,’ તેમણે દાવો કર્યો હતો. જો કે, દિલ્હી પોલીસે બજાર બંધ કરવાનો કોઈ આદેશ જારી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અમે બજાર બંધ કરવા માટે નહિ પરંતુ સાવચેતીનાં ભાગ રૂપે શોધ કરવા ગયા હતા.”
દિલ્હીના ગાઝીપુર અને સીમાપુરીમાં IED મળી આવ્યાં હતાં
આ અગાઉ પ્રજાસત્તાક દિવસ પહેલા, સંભવિત આતંકવાદી હુમલા અંગે પોલીસને ગુપ્તચર એજન્સીઓ તરફથી ઇનપુટ મળ્યા બાદ દિલ્હી-એનસીઆરમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓએ ઉત્તર પ્રદેશની સરહદે આવેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધાર્યું છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં 14 જાન્યુઆરીએ સુરક્ષા દળોએ દિલ્હીના ગાઝીપુર અને 18 ફેબ્રુઆરીએ જૂની સીમા પુરીમાંથી બે IED મળી આવ્યા હતા.પાકિસ્તાનમાં તૈયાર કરાયેલા આ વિસ્ફોટકો જમીન કે દરિયાઈ માર્ગે ભારત મોકલવામાં આવતા હતા. આ વિસ્ફોટકોને સુરક્ષા દળોએ સમયસર નિષ્ક્રિય કરી દીધા હતા. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર બંને જગ્યાએથી મળી આવેલા વિસ્ફોટકોના તાર એક જ જગ્યા સાથે જોડાયેલા હતા.
2008માં પણ આવા જ મેલ પછી સિરિયલ બ્લાસ્ટ થયા હતા
આજથી લગભગ 14 વર્ષ પહેલા 13 સપ્ટેમ્બર 2008ના રોજ આતંકવાદીઓએ એક મોટા મીડિયા હાઉસને ઈમેલ મોકલ્યો હતો કે 5 મિનિટમાં દિલ્હીમાં બ્લાસ્ટ થવાના છે, જો તમે રોકી શકો તો રોકો. આ મેલ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં ચાર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. એક પછી એક આ વિસ્ફોટોથી દિલ્હી સંપૂર્ણપણે હચમચી ગયું હતું. પહેલો બ્લાસ્ટ કનોટ પ્લેસ પાસે થયો હતો. આ સિવાય કરોલ બાગના ગફાર માર્કેટ અને ગ્રેટર કૈલાશ-1માં પણ બોમ્બવિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 21 લોકોનાં મોત થયાં હતાં અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન
તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાનના તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના ડિસેમ્બર 2007માં કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરહદ નજીકના આદિવાસી વિસ્તારોમાં તેનો નોંધપાત્ર પ્રભાવ છે. આ સંગઠનનો હેતુ પાકિસ્તાનમાં શરિયા આધારિત કટ્ટરપંથી ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે. 2014માં આ જ જૂથે પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો અને 132 બાળક સહિત 149 લોકોની હત્યા કરી હતી.