હથોડા: કોસંબા(Kosamba) પોલીસ(Police) સ્ટેશન(Station) વિસ્તારમાં લીડિયાત ગામે ગાંજા(Weed) ભરેલા ટેમ્પોમાંથી બોલેરો ટેમ્પો(Tempo)માં ગાંજાનું કાર્ટિંગ થતું હતું. એ જ સમયે દિલ્હીની એનસીબી ટીમે બાતમીના આધારે રેડ પાડી ટેમ્પોમાંથી રૂ.૫૦ લાખની કિંમતનો 523 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
- લીડિયાતથી દિલ્હીની એનસીબી ટીમે ૫૦ લાખના ગાંજા સાથે ટેમ્પો ઝડપી પાડ્યો, ત્રણની ધરપકડ
- પાઈનેપલ ફ્રૂટનાં કેરેટની આડમાં ગાંજાની હેરાફેરી કરાતી હતી, 523 કિલો ગાંજો કબજે કરાયો
દિલ્હી એનસીબી ટીમને બાતમીદારે પાકી બાતમી આપી હતી કે, સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીડિયાત ગામે એક આઈસર ટેમ્પોમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ભરેલો છે અને આ માલ બોલેરો ટેમ્પોમાં કાર્ટિંગ કરવાની પેરવીમાં છે. આથી એનસીબી ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં એક આઇસર ટેમ્પોમાં પાઈનેપલ ફ્રૂટનાં કેરેટની આડમાં લઈ જવાતા ટેમ્પોમાંથી 17 મોટા પ્લાસ્ટિકના બોરિયામાં ગાંજો મળી આવ્યો હતો. એક બોરીમાં ૩૦ કિલો કુલ મળી 523 કિલો રૂ.૫૦ લાખનો ગાંજો મળી આવ્યો હતો. ટેમ્પોચાલક સહિત ત્રણ જણાને ધરપકડ કરી નજીકમાં આવેલા પાલોદ પોલીસ ચોકી લઈ આવી વધુ કામગીરી હાથ ધરાઈ છે. આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી આઇસર ટેમ્પોમાં લાવી લીડિયાતથી બોલેરોમાં કાર્ટિંગ કરી વડોદરા લઇ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું. મોટી માત્રામાં મળેલો ગાંજાના જથ્થાની જાણ થતાં જ કોસંબા અને પાલોદ પોલીસ પણ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. રૂ.૫૦ લાખની કિંમતનો ગાંજો તેમજ આઇસર ટેમ્પો અને બોલેરો ટેમ્પો કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કડોદરાથી સુરત લઈ જવાતા દારૂ સાથે મહિલા, કિશોર સહિત ચાર ઝડપાયાં
પલસાણા: કડોદરા ખાતે CNG કટ પાસેથી પોલીસે એક રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કિશોર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વાપીથી બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા આવ્યા બાદ રિક્ષા ભાડે કરી આ જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે, પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ રૂ.47,303ના મુદ્દામાલ સાથે મહિલા અને કિશોર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટાફના માણસો ગતરોજ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક રિક્ષામાં મહિલા તેમજ બે પુરુષ વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં જનાર છે. જે હકીકતના આધારે કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ CNG કટ નજીક વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબની રિક્ષા નં.(GJ-05-XX-4310) આવતાં તેને અટકાવી હતી અને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 479 પાઉચ કિંમત રૂ. 27,303નો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂના જથ્થા સાથે એક કિશોર તેમજ એક મહિલા ઊર્મિલાદેવી શ્યામધર સરોજ, રાહુલ રાજમણી યાદવ તથા ગિરધારી ગરીબા ધીરસિંગ જાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો વાપીથી ભરી ટ્રકમાં બેસી પલસાણા સુધી લાવ્યા હતા. અને ત્યાંથી રિક્ષા ભાડે કરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો સોનુએ ભરાવ્યો હતો તેમજ વિદેશી દારૂ મંગાવનાર સુરત શહેરના ગોલવાડ ખાતે રહેતા મુકેશને કડોદરા પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.