નવી દિલ્હી: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર શ્રદ્ધા વલ્કર હત્યા (Murder) કેસ અંગે દિલ્હી પોલીસે (Delhi Police) માત્ર 75 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી છે. જાણકારી મુજબ 6629 પેજની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. જણાવી દઈએ કે પોલીસ પાસે ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસનો સમય હતો પરંતુ દિલ્હી પોલીસે આ કેસમાં 75 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર (દક્ષિણ રેન્જ) મીનુ ચૌધરીએ જણાવ્યું કે આ મામલાની તપાસ માટે 9 પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. તેમજ SITની રચના પણ કરવામાં આવી હતી. આ કેસની તપાસનો માત્ર દિલ્હીમાં નહીં પરંતુ અન્ય ચાર રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ ચાલી રહી હતી. જોઈન્ટ કમિશનર મીનુ ચૌધરીએ જણાવ્યું કે આફતાબે હત્યા બાદ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાખી અલગ અલગ રાજયોમાં ફેંકયા હતા.
મીનુ ચૌધરીએ વધારામાં જણાવ્યું કે એક નહીં પરંતુ ઘણી અલગ-અલગ ટીમોએ આરોપી આફતાબ અમીન પૂનાવાલાની પૂછપરછ કરી હતી. આ કેસમાં પૂછપરછ માટે પોલીસ સાથે નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. એફએસએલ અને સીએફએસએલ દ્વારા પણ ક્રાઈમ સીનની તપાસ કરવામાં આવી હતી. કેસના આરોપી આફતાબનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે પુરાવા તરીકે ગુરુગ્રામ અને દિલ્હીના સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવામાં આવ્યા હતા. શ્રદ્ધાની હત્યા પછી તેના શરીરના ટુકડા કરવા માટે જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ પોલીસને મળી આવ્યા છે. આ કેસમાં પોલીસે 150થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. જેનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે 17 મે 2022ના રોજ, શ્રદ્ધા તેના અન્ય મિત્રને મળવા ગુરુગ્રામ ગઈ હતી. આ પછી તે 18 મે 2022ના રોજ બપોરે પરત આવી હતી. આ વાતથી આફતાબ ગુસ્સે થઈ ગયો હતો. આ પછી બંને વચ્ચે ઝઘડો થયો અને આફતાબે તેની હત્યા કરી નાખી હતી અને તેના 35 ટુકડા કરી નાંખ્યા હતાં. જાણકારી મુજબ આરોપી આફતાબ પોતાના વકીલને આ કેસની ચાર્જશીટ બતાવવા માંગતો નથી. તેણે પોતાનો વકીલ બદલવાની વાત પણ કરી છે. આફતાબની ન્યાયિક કસ્ટડી 7 ફેબ્રુઆરી 2023 સુધી લંબાવવામાં આવી છે. આફતાબને 7 ફેબ્રુઆરી પછી ચાર્જશીટ મળશે.