National

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ભૂસ્ખલન અને પૂરના લીધે ઘરો તણાયા: યમુનામાં રેલ આવતા દિલ્હીમાં ટેન્શન

નવી દિલ્હી: મુશળધાર વરસાદને (Rain) કારણે ઉત્તર ભારતમાં પૂર (Flood) આવ્યું છે. હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. અત્યાર સુધી હિમાચલમાં 250 ઘર પાણીમાં તબાહ થયા છે. 19ના મોત થયા હોવાના અહેવાલ છે. પાણીના જોરદાર પ્રવાહમાં રસ્તાઓ (Road) અને પુલો પણ ધોવાઈ રહ્યાં છે. ઉત્તરાખંડ-હિમાચલમાં પુલ, રસ્તા, કાર અને ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થતા જોવા મળે છે. જેના કારણે અનેક વિસ્તારોનો મુખ્યાલય સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ આગામી 24 કલાક ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે.

આ તરફ દિલ્હીમાં (Delhi) પણ મુશળધાર વરસાદે તબાહી સર્જી છે. દિલ્હીમાં રસ્તાઓ તળાવ બની ગયા છે. યમુના છલકાતા દિલ્હી સરકાર ટેન્શનમાં છે. સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 19 લોકોના મોતના સમાચાર છે. દિલ્હી NCRમાં વરસાદને જોતા સોમવારે શાળાઓ (School) બંધ કરી દેવામાં આવી છે. જ્યારે હિમાચલમાં 736 રસ્તાઓ બંધ અને ઉત્તરાખંડના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મંડીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્કયું
આ દરમિયાન હિમાચલની મંડીમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેની તસવીરો સામે આવી છે. મળતી માહિતી મુજબ મંડી જિલ્લાના નાગવાઈન ગામમાં 9મી જુલાઈ એટલે કે રવિવારની રાતથી કેટલાક લોકો ફસાયેલા છે. જેમની મદદ માટે એનડીઆરએફની ટીમને બચાવવી પડી હતી. ત્યાં ફસાયેલા લોકોને દોરડા વડે નદી પાર કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની તસવીરો સામે આવી છે.

હરિયાણાએ યમુનામાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડ્યું
દિલ્હી, હિમાચલ, પંજાબ સહિત દેશના ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. 1982માં જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ 253 મીમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા 25 જુલાઈ 1982ના રોજ 169.9 મીમી વરસાદ નોંધાયો હતો. 2003માં 24 કલાકમાં 133.4 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 2013માં દિલ્હીમાં 123.4 મીમી વરસાદ નોંધાયો હતો. અહીં હરિયાણાએ યમુનામાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડ્યું. આ પછી દિલ્હી સરકારે પૂરની ચેતવણી જાહેર કરી છે.

Most Popular

To Top