નવી દિલ્હીઃ કોરોના (Corona) પછી યુરોપના અનેક દેશોમાં મંકીપોક્સ (Monkeypox) નામના રોગના કેસો દેખાય આવ્યાં છે. તાવ અને શરીર ઉપર ફોલ્લાઓ થવા તે આ રોગના લક્ષણો છે. આફ્રિકાના કેટલાક દેશોમાં તે ઘણા સમયથી થાય જ છે પરંતુ આફ્રિકા ખંડની બહાર તે ભાગ્યે જ દેખાતો હતો. પરંતુ હાલમાં આ રોગના કેસો અચાનક મોટા પ્રમાણમાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં દેખાયા છે અને તેના કારણે આશ્ચર્ય અને ચિંતાઓ સર્જાઈ છે. દુનિયામાં અનેક દેશોમાં આ રોગ દેખાવાના કારણે ચિંતા વધી ગઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠન પણ આ માટે સક્રિય થઇ ગયું. વિશ્વમાં કોરોના પછી મંકીપોક્સના કેસે લોકો તથા સરકારની ચિંતા વધારી દીધી છે. ભારતમાં મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. તેમ છતાં મંકીપોક્સની ચિંતા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજરોજ ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રોગ ધરાવતા વ્યકિતના સેમ્પલ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી એનઆઈવી પૂણે મોકલવામાં આવશે.
ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યકિત આ રોગથી અસરગ્રસ્ત થશે તો તેણે કયા દેશમાં સફર કરી છે અથવા તો તે કઈ જગ્યા ઉપર ગયો છે તે તમામની યોગ્ય માહિતી એકત્ર કરવામાં આવશે. આ સાથે તાવ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, શરીરમાં ફોલ્લી આ તમામ મંકીપોક્સના લક્ષણ છે. રોગથી અસરગ્રસ્ત દર્દીને આઇસોલેશન રૂમમાં કે ઘરે અલગ રૂમમાં રાખવામાં આવશે. દર્દીએ ત્રિપલ લેયર માસ્ક પહેરવાનું રહેશે. આઇસોલેશન 2-3 દિવસ કે એક અઠવાડિયાનું નહિં પરંતુ તે જ્યાં સુધી સાજો ન થઈ જાય ત્યાર સુઘીનો રહેશે. શંકાસ્પદ દર્દીના કોન્ટેક્ટને પણ ટ્રેસ કરવામાં આવશે. વિદેશ સફર કરીને આવેલા લોકોને જણાવવામાં આવ્યું છે કે મંકીપોક્સના લક્ષણ જોવા મળવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરે. મહત્વનું છે કે કોરોના બાદ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવી રહ્યાં છે. આ રોગ 20 જેટલા દેશોમાં પહોંચી ચુક્યો છે.
ભારત સરકારે પણ આઇસીએમઆર સહિતની સંસ્થાઓને સ્થિતિ પર નજર રાખવાની સૂચના આપી દીધી છે અને એરપોર્ટો પર ચિકનપોક્સના કેસો ધરાવતા દેશોમાંથી આવતા લોકોમાંથી કોઇ બિમાર જણાય તો તેને આઇસોલેટ કરવા સહિતના આદેશ જારી કરી દેવાયા છે. આ નવી ઉભી થઇ ગયેલી ચિંતા વચ્ચે આ રોગ વધુ વકરે નહીં અને વહેલી તકે શમી જાય તેવી જ પ્રાર્થના હાલ તો કરવાની રહે છે.