National

દિલ્હીમાં રોહિંગ્યાઓને ફ્લેટ આપવાના કેન્દ્રીય મંત્રીના નિવેદનથી વિવાદ, ગૃહ મંત્રાલયે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) બુધવારે જણાવ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓને (Rohingya Refugees) દિલ્હીની બહારના વિસ્તાર બક્કરવાલાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવશે. અને તેમને મૂળભૂત સુવિધાઓ અને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા AAP સરકારે કહ્યું કે દિલ્હીના લોકો તેને મંજૂરી નહીં આપે. EWS ફ્લેટનું નિર્માણ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા કરવામાં આવ્યું છે અને તે ટિકરી બોર્ડર પાસે બક્કરવાલા વિસ્તારમાં સ્થિત છે. આ તરફ વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને આ મુદ્દા પર પુનર્વિચાર કરવા અને રોહિંગ્યાઓને રહેવાની જગ્યાએ તેમને દેશનિકાલ કરવાની વ્યવસ્થા કરવા વિનંતી કરીએ છીએ.

  • રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીની બહારના વિસ્તાર બક્કરવાલાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવશે
  • EWS ફ્લેટનું નિર્માણ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા કરવામાં આવ્યું છે
  • ગૃહ મંત્રાલયે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હીના બક્કરવાલામાં ગેરકાયદે રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી

આ તરફ ગૃહ મંત્રાલયે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હીના બક્કરવાલામાં ગેરકાયદે રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. અગાઉ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે ગેરકાયદે રોહિંગ્યા વિદેશીઓને EWS ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બાબતનો ગૃહ મંત્રાલયે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે રોહિંગ્યાઓને નવા સ્થાને સ્થાનાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની સરકારને આદેશ આપ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે ગેરકાયદેસર રોહિંગ્યા વિદેશીઓ હાલના સ્થાને રહે છે કારણ કે ગૃહ મંત્રાલયે તેમના દેશનિકાલનો મામલો વિદેશ મંત્રાલયના માધ્યમથી સંબંધિત દેશ સાથે પહેલેથી જ ઉઠાવી ચુક્યો છે.

મંત્રાલયે કહ્યું કે ગેરકાયદેસર વિદેશીઓને કાયદા મુજબ તેમના દેશનિકાલ સુધી અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવશે. દિલ્હી સરકારે હાલના સ્થાનને ડિન્ટેશન સેન્ટર તરીકે જાહેર કર્યું નથી. તેથી તેઓને તાત્કાલિક આવું કરવા સૂચના આપવામાં આવી છે. અગાઉ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓને બહારના દિલ્હીના બક્કરવાલાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવશે અને તેમને મૂળભૂત સુવિધાઓ અને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. પરંતુ આ બાબતે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે કે ગેરકાયદે રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી.

Most Popular

To Top