નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRC) શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. ડીએમઆરસીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે દિલ્હી મેટ્રોના (Delhi Metro) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જે મુજબ હવે મુસાફરો દારૂની (Alcohol) બે બોટલ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
એરપોર્ટ એક્સપ્રેસ લાઇનની જોગવાઈઓ મુજબ હવે દિલ્હી મેટ્રોમાં વ્યક્તિ દીઠ દારૂની બે સીલબંધ બોટલની મંજૂરી છે. CISF અને DMRC અધિકારીઓની સમિતિએ અગાઉના આદેશની સમીક્ષા કરી છે. અગાઉના આદેશ મુજબ દારૂની સીલબંધ બોટલને એરપોર્ટ લાઇન પર જ લઇ જવાની મંજૂરી હતી. બાકીની લાઈનો પર પ્રતિબંધ હતો. જ્યારે હવે નવો ઓર્ડર તમામ મેટ્રો લાઇન પર લાગુ થશે.
જો કોઈ વ્યકિત દારૂ પીને ગેર વર્તન કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે: DMRC
આ નિર્ણય મુજબ મુસાફરને મેટ્રો પરિસરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે યાત્રીઓને ખાસ અપીલ પણ કરવામાં આવી છે. ડીએમઆરસીએ વધુમાં કહ્યું છે કે મુસાફરી કરતી વખતે યોગ્ય શિષ્ટાચાર જાળવવો જરૂરી છે. જો કોઈ મુસાફર દારૂના નશામાં ગેરવર્તન કરતો જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
યુઝરના સવાલ પર DMRCએ આપ્યો જવાબ
દિલ્હી મેટ્રોમાં રોજે હજારો મુસાફરો મુસાફરી કરે છે. ઓફિસ જનારાઓ માટે દિલ્હી મેટ્રો વરદાનથી ઓછી નથી. આવી સ્થિતિમાં ડીએમઆરસીએ મુસાફરોની સુવિધા માટે ઘણા નિયમો બનાવ્યા છે. ઘણી વખત મુસાફરો દિલ્હી મેટ્રોના નિયમોને લઈને ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રશ્નો પૂછતા રહે છે. ગુરુવારે પણ એક યુઝરે દારૂને લઈને સવાલ પૂછ્યો હતો જે બાદ ડીએમઆરસીના ટ્વિટર હેન્ડલ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી. ડીએમઆરસીએ કહ્યું હા દિલ્હી મેટ્રોમાં દારૂની 2 સીલબંધ બોટલ લઈ જવાની છૂટ છે.
દિલ્હીમાં દારૂના વેચાણમાં મોટો ઘટાડો!
દિલ્હીમાં દારૂના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં આ વર્ષે દારૂના છૂટક વેપારમાં મોટો ઘટાડો થયો છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપની (CIABC)ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરી હતી. આ નીતિના અમલ પછી જાન્યુઆરી-માર્ચ (2022)માં દારૂના વેચાણમાં 263%નો વધારો થયો હતો. જોકે જુલાઇ 2022માં ડેપ્યુટી ગવર્નર વીકે સક્સેનાએ દારૂની નીતિમાં કૌભાંડના આરોપો બાદ આ નીતિને પાછી ખેંચી લીધી હતી.