સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના (Loksabha Election) છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે આજે 25 મેના રોજ મતદાન (Voting) થયું હતું. છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની આઠ બેઠકો, હરિયાણાની તમામ દસ બેઠકો, ઝારખંડની ચાર બેઠકો, દિલ્હીની તમામ સાત બેઠકો, ઓડિશાની છ બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો અને જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 57.70 ટકા મતદાન
લોકસભા ચૂંટણી 2024 માટે શનિવારે દેશના આઠ રાજ્યોમાં છઠ્ઠા તબક્કાનું મતદાન થયું હતું. આકરી ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધી દેશમાં 57.70 ટકા મતદાન થયું હતું. જાણો રાજ્યવાર મતદાનની ટકાવારી કેટલી રહી.
- ઉત્તર પ્રદેશ 52.02
- ઓડિશા 59.60
- જમ્મુ કાશ્મીર 51.35
- ઝારખંડ 61.41
- પશ્ચિમ બંગાળ 77.99
- બિહાર 52.24
- દિલ્હી એનસીઆર 53.73
- હરિયાણા 55.93
‘મને વડાપ્રધાનની ચિંતા છે’, RJD નેતા મનોજ ઝાએ કેમ કહ્યું આવું?
આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે પહેલા હું વડાપ્રધાન સાથે અસહમત હતો. હવે મને વડાપ્રધાનની ચિંતા છે. તે મારા દેશના વડાપ્રધાન છે, દુનિયામાં શું વિચારતા હશે કે મારા દેશના વડાપ્રધાનની કેવી રાજકીય ભાષા છે. આ ડાયલોગ્સ કઈ ફિલ્મો જોયા પછી લખાઈ રહ્યા છે? જો કોઈ એવું કહેવા માંડે કે હું પરમાત્માના માર્ગે આવ્યો છું, હું જૈવિક રીતે જન્મ્યો નથી, જો તમે અને હું આવું કહીએ તો લોકો કહેશે કે તેને ડોક્ટર પાસે લઈ જાઓ.
બંગાળમાં મતદાર કાર્ડ છીનવી લેવાનો વિવાદ
પશ્ચિમ બંગાળના પુરુલિયા લોકસભાના ઉમેદવાર જ્યોતિર્મય સિંહ મહતો વિરુદ્ધ એક વ્યક્તિ પાસેથી મતદાર કાર્ડ છીનવી લેવાની ફરિયાદની ઘટનાને લઈને ભારે હોબાળો થયો છે. મતદારોના એક વર્ગે તેમના માટે પાછા જાઓના નારા લગાવ્યા હતા. પુરુલિયા ઝાલડા ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવાર જ્યોતિર્મય સિંહ મહતો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહેવાલ મુજબ ઝાલડા ગર્લ્સ સ્કૂલમાં એક પુરુષ મતદાર મહિલાનું આઈ-કાર્ડ લઈને આવ્યો જ્યારે ભાજપના ઉમેદવારે તેમને પૂછ્યું કે તમારી પાસે મહિલા મતદાર કાર્ડ કેમ છે? પછી તેણે કહ્યું કે આ ઘરની મહિલાનું કાર્ડ છે અને તે આ કાર્ડ લાવવાનું ભૂલી ગયો છે અને તેને આપવા આવ્યો છે. જેના પર ભાજપના ઉમેદવારે તેમનું આઈ-કાર્ડ છીનવી લીધું હતું. ભાજપના ઉમેદવાર વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.