દિલ્હી (Delhi) દારૂ કૌભાંડ કેસના આરોપી પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને (Manish Sisodia) રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે આજે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. ED અને CBI બંને કેસમાં જામીનની માંગ કરતી સિસોદિયાની અરજી ફગાવી દેવામાં આવી છે. આ બીજી વખત છે જ્યારે સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ પહેલા પણ નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
જામીનનો વિરોધ કરતાં તપાસ એજન્સીએ કહ્યું હતું કે સિસોદિયા કૌભાંડના કિંગપિન છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ, જો તેમને જામીન આપવામાં આવે તો સિસોદિયા પુરાવા સાથે ચેડા કરી શકે છે. સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. 26 એપ્રિલે કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા મનીષ સિસોદિયા, વિજય નાયર અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 8 મે 2024 સુધી લંબાવી હતી. EDએ કોર્ટ પાસે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો હતો.
અગાઉ 25 એપ્રિલે કોર્ટે સીબીઆઈ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો 24 એપ્રિલે પૂરો થઈ રહ્યો હતો. સીબીઆઈએ કોર્ટને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની વિનંતી કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ પછી કોર્ટે સિસોદિયાના વકીલોને ઠપકો આપ્યો હતો. તેમની અગાઉની જામીન અરજી પણ ગયા વર્ષે કોર્ટે ફગાવી દીધી હતી. તે ફેબ્રુઆરી 2023 થી કસ્ટડીમાં છે.