દિલ્લી: રાજધાની દિલ્હીના (Delhi) જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર થયેલી હિંસાના (violence) મામલામાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે (Police) બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વિરુદ્ધ FIR નોંધી છે. VHP અને બજરંગ દળ પર પરવાનગી વગર(Without permission) શોભાયાત્રા કાઢવાનો આરોપ છે. આ કેસમાં દિલ્હી પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની પણ ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વીએચપીના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માએ પોલીસની પરવાનગી વિના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર શોભાયાત્રા કાઢી હતી.
ડીસીપી એનડબલ્યુ ઉષા રંગનાનીએ જણાવ્યું કે હનુમાન જયંતિના અવસરે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળના દિલ્હી પ્રાંતના આયોજકોએ પરવાનગી વિના સરઘસ કાઢ્યું હતું. આ મામલામાં બંને સંગઠનો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્મા સામે પણ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી છે. બીજી તરફ જહાંગીરપુરી હિંસા કેસની તપાસ દરમિયાન અન્ય એક આરોપી 36 વર્ષીય શેખ હમીદની ધરપકડ કરવામાં આવી છે. તે જંક ડીલર છે. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે ઘટના દરમિયાન પથ્થરમારો માટે ઉપયોગમાં લેવાતી બોટલ તેણે જ સપ્લાય કરી હતી. દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસના કુલ 7 આરોપીઓને રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે સાંજે હનુમાનની જન્મજયંતિ પર શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જે બાદ આ હિંસામાં પોલીસે મુખ્ય આરોપી અંસાર સહિત 24 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય 2 સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં તાનવપૂર્ણ માહોલ છે. ગૃહ મંત્રાલયે સાવચેતી તરીકે CRPF અને RAFની વધુ પાંચ કંપનીઓ મોકલી છે. દિલ્હી પોલીસે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. તેમજ આ કેસમાં વધુ 4 આરોપીઓને દિલ્હી પોલીસે રોહિણી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. જ્યારે હિંસાના મુખ્ય આરોપી અંસાર અને અસલમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. હવે તે બે દિવસ માટે લંબાવવામાં આવી છે.
હિંસામાં 9 લોકો ઘાયલ, જેમાંથી 8 પોલીસકર્મી
. જહાંગીરપુરીમાં હિંસાના મામલામાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે હિંસામાં 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 8 પોલીસકર્મી છે. તે વખતે પોલીસે બંને પક્ષોને અલગ કર્યા હતા. તેથી નાગરિકોને કોઈ નુકસાન થયું નથી. એટલું જ નહીં જ્યારે અસ્થાનાને પૂછવામાં આવ્યું કે શું જહાંગીરપુરી હિંસા કેસમાં એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો તેમણે જવાબ આપતા કહ્યું હતુ કે ના… હિંસામાં સામેલ બંને પક્ષોના લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રાહતની વાત એ છે કે સામન્ય લોકોને કોઇ નુકસાન થયુ નથી.