National

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસ ખડકી દેવાઈ

દિલ્હી: (Delhi) દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાનજીની જન્મજયંતિ (Hanuman Jayanti) પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન બે પક્ષો વચ્ચે હંગામો થયો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ (Police) સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ધમાલમાં અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. ઘાયલોને જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બદમાશોની ઓળખ માટે વિસ્તારના સીસીટીવી પણ સ્કેન કરી રહી છે.

આ સાથે પોલીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર પણ નજર રાખી રહી છે. શું આ પૂર્વ આયોજિત ષડયંત્ર છે, જો આવી ઘટના અચાનક બની હોય તો તેની પાછળના કારણો શું હતા? આવા સવાલોના જવાબ શોધવા પોલીસની ટીમો કાર્ય કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલયે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. આ સાથે અધિકારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. દરમ્યાન વિસ્તારના બંને પક્ષના લોકોએ એક બીજા પર આરોપ લગાવ્યા છે કે પહેલા પથ્થરમારાની શરૂઆત સામે પક્ષે કરવામાં આવી હતી. પોલીસે આ વિસ્તારમાં બંદોબસ્ત કડક કરી દીધો છે.

બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં શાંતિ જળવાઈ રહે તે માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ ફોર્સને ઘટના સ્થળ પર ખડકી દેવાઈ છે. દિલ્હી પોલીસ કમિશનરનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. દરેક જગ્યાએ ફોર્સ વધારી દેવામાં આવી છે. ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top