નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના ઉપરાજ્યપાલ (Lieutenant Governor) વીકે સક્સેનાએ DTC દ્વારા 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે CBIને ફરિયાદ મોકલવાની દરખાસ્તને મંજૂરી આપી છે. એલજી ઓફિસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એલજી સચિવાલયને ડીટીસી (DTC) દ્વારા 1000 લો-ફ્લોર બસોની (Bus) ખરીદીમાં ભારે અનિયમિતતા તેમજ ભ્રષ્ટાચાર (Corruption) અંગે ફરિયાદ મળી હતી. મુખ્ય સચિવની આ દરખાસ્તને મંજૂરી આપતા દિલ્હી એલજી વિનય કુમાર સક્સેના દ્વારા સીબીઆઈને આ ફરિયાદ અને તેને સંબંધિત દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા.
- દિલ્હી LGએ DTC કૌભાંડ સંબંધિત દસ્તાવેજો CBIને મોકલી આપ્યા
- એલજી સચિવાલયને ડીટીસી દ્વારા 1000 લો-ફ્લોર બસોની ખરીદીમાં ભારે અનિયમિતતા તેમજ ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ મળી હતી
- એલજીના પગલા પર કટાક્ષ કરતા દિલ્હી સરકારે કહ્યું કે ટેન્ડરો રદ કરવામાં આવ્યા છે અને બસો ક્યારેય ખરીદવામાં આવી નથી
આ વર્ષે જૂનમાં સક્સેનાને સંબોધવામાં આવેલી ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી) એ બસોના ટેન્ડરિંગ અને ખરીદી માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે પરિવહન મંત્રીની નિમણૂકનું પૂર્વ આયોજન કર્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ટેન્ડર માટે બિડ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે ડીઆઈએમટીએસની નિમણૂક ખોટી કામગીરીને સરળ બનાવવાના હેતુથી કરવામાં આવી હતી.
આ મામલો 1,000 લો ફ્લોર બસો સાથે સંબંધિત છે
જણાવી દઈએ કે આ સમગ્ર મામલો 1000 લો ફ્લોર બસોનો છે. સૂત્રોએ જણાવ્યું કે ફરિયાદમાં જણાવાયું છે કે 1,000 લો ફ્લોર BS-IV અને BS-VI બસો માટે જુલાઈ 2019ની ખરીદીની બિડ અને માર્ચ 2020માં વાર્ષિક જાળવણી અને લો-ફ્લોર BS-VI બસોની ખરીદીના કોન્ટ્રાક્ટ માટે બીજી બિડમાં અનિયમિતતા જોવા મળી હતી.
આ ફરિયાદ મુખ્ય સચિવને મોકલવામાં આવી હતી
22 જુલાઈએ દિલ્હી સરકારના વિભાગોના જવાબ લેવા માટે ફરિયાદ મુખ્ય સચિવને મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે ચીફ સેક્રેટરીએ 19 ઓગસ્ટના રોજ રિપોર્ટ સબમિટ કર્યો હતો જેમાં કેટલીક અનિયમિતતાઓ દર્શાવવામાં આવી હતી. આ પછી સક્સેનાએ ફરિયાદ સીબીઆઈને મોકલી છે.
હવે આ મામલે દિલ્હી સરકાર અને LG ફરી એકવાર સામસામે આવી ગયા છે. એલજીના પગલા પર કટાક્ષ કરતા દિલ્હી સરકારે કહ્યું કે ટેન્ડરો રદ કરવામાં આવ્યા છે અને બસો ક્યારેય ખરીદવામાં આવી નથી. તેમણે કહ્યું કે દિલ્હીને વધુ શિક્ષિત એલજીની જરૂર છે. વર્તમાન ઉપરાજ્યપાલને ખબર નથી કે તેઓ શેના પર હસ્તાક્ષર કરી રહ્યાં છે. જણાવી દઈએ કે લેફ્ટનન્ટ ગવર્નર પર ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ રહીને 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. AAPનો દાવો છે કે તેણે ટેન્ડર વગર તેમની પુત્રીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
દિલ્હી સરકારના નિવેદન મુજબ લેફ્ટનન્ટ ગવર્નર પર ખુદ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. તેથી તેઓ ધ્યાન હટાવવા માટે આવી તપાસનો આદેશ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી તપાસનું અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી વિરુદ્ધ પાયાવિહોણી ફરિયાદ બાદ હવે તેઓ ચોથા મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે, લેફ્ટનન્ટ ગવર્નરે પહેલા પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવો જોઈએ પછી કોઈની ફરિયાદને મંજૂર કરવી જોઈએ.