નવી દિલ્હી: (New Delhi) ચૂંટણી પંચે (Election Commission) રવિવારે ઈલેક્ટોરલ બોન્ડને (Electoral Bonds) લઈને નવો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા પંચ દ્વારા સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટે કમિશનને આ ડેટા સાર્વજનિક કરવા કહ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ વિગતો 12 એપ્રિલ 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે. પંચે ગયા અઠવાડિયે ઉપરોક્ત તારીખ પછી ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો જાહેર કરી હતી.
કમિશને એક નિવેદનમાં કહ્યું કે રાજકીય પક્ષોએ 12 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ અનુસાર ચૂંટણી બોન્ડ સંબંધિત ડેટા સીલબંધ કવરમાં ફાઇલ કર્યા હતા. કમિશને કહ્યું કે રાજકીય પક્ષો પાસેથી મળેલા ડેટાને સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના 15 માર્ચ 2024ના આદેશ પર કાર્યવાહી કરીને કોર્ટની રજિસ્ટ્રીએ સીલબંધ કવરમાં પેન ડ્રાઈવમાં ડિજિટલ રેકોર્ડ સાથે ભૌતિક ડેટા જમા કરાવ્યો છે. નકલો પરત કરવામાં આવી છે. પંચે આજે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી ડિજિટલ સ્વરૂપમાં મેળવેલ ડેટા અપલોડ કર્યો છે. ઈલેક્ટોરલ બોન્ડની માન્યતા પર સુનાવણી દરમિયાન કોર્ટે સપ્ટેમ્બર 2023 સુધી રાજકીય પાર્ટીઓને મળેલા દાનની માહિતી માંગાવી હતી. ચૂંટણી પંચે શુક્રવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેની પાસે વેબસાઈટ પર અપલોડ કરવા માટે ડેટાની કોપી નથી. CJI ચંદ્રચુડની બેન્ચે રજિસ્ટ્રીને ડેટા ડિજિટાઇઝ કર્યા બાદ પરત કરવા જણાવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ-
ભાજપે કુલ રૂ. 6,986.5 કરોડના ચૂંટણી બોન્ડ મેળવ્યા. આમાં પાર્ટીને 2019-20માં સૌથી વધુ 2,555 કરોડ રૂપિયા મળ્યા.
કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ. 1,334.35 કરોડ મેળવ્યા હતા
બીજેડીએ રૂ. 944.5 કરોડ
YSR કોંગ્રેસ (YSRCP) રૂ. 442.8 કરોડ
ટીડીપીએ રૂ. 181.35 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ રોક્યા હતા
ઇલેક્ટોરલ બોન્ડ શું છે?
2017ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે એને 2 જાન્યુઆરી 2018ના રોજ સૂચિત કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયત કરેલી શાખામાંથી તે મળશે. ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે. માત્ર તે પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.