નવી દિલ્હી: (New Delhi) મહાઠગ ઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને તેમની ટીમનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. સુકેશે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં (Court) કહ્યું કે હું તેનો પર્દાફાશ કરીશ, હું કેજરીવાલ અને તેની ટીમ વિરુદ્ધ સરકારી સાક્ષી બનીશ. હું સુનિશ્ચિત કરીશ કે તેને સજા થાય. કોર્ટે શુક્રવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત દારૂ નીતિ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે.
બીજી તરફ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. સુકેશે આ પત્ર જેલમાંથી લખ્યો છે. અરવિંદ કેજરીવાલને ED ના રિમાન્ડ મળ્યા બાદ તેણે આ પત્ર લખ્યો હતો. સુકેશે તિહાર જેલમાં કેજરીવાલનું સ્વાગત કરતો પત્ર લખ્યો છે. સુકેશે લખ્યું છે, પ્રિય ભાઈ, તિહારમાં આપનું સ્વાગત છે. સુકેશે લખ્યું છે કે હંમેશની જેમ સત્યની જીત થઈ છે. કાયદાથી ઉપર કોઈ નથી તે બતાવવા માટે નવા ભારતની શક્તિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. મારા પ્રિય અરવિંદ કેજરીવાલ જી, સૌ પ્રથમ હું તમારું સ્વાગત કરવા ઉત્સુક છું. સુકેશે કેજરીવાલને તિહાર ક્લબના ‘બોસ’ ગણાવ્યા છે. આ સાથે લખ્યું છે કે તમારા તમામ નિવેદનો અને કટ્ટર ઈમાનદારીના ડ્રામાનો હવે અંત આવી ગયો છે.
‘ભગવાન રામે તમને સજા કરી’
સુકેશે પોતાના પત્રમાં કહ્યું કે નવા ભારતની શક્તિનું આ એક અદ્ભુત ઉદાહરણ છે જે દર્શાવે છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. તમે અને તમારા ભાઈઓએ દિલ્હીની જનતાને છેતર્યા છે. ભગવાન રામે તમને તમારા ભ્રષ્ટાચાર અને કાર્યોની સજા આપી છે. ઉપરવાળો બધું જુએ છે.
જન્મદિવસ પહેલા ડબલ સેલિબ્રેશનની તક
સુકેશે કટાક્ષ કરતાં લખ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે ત્રણ દિવસ પછી 25મી માર્ચે મારો જન્મદિવસ છે. આ દિવસ મારા માટે ડબલ સેલિબ્રેશન છે. કારણ કે હું તમારી ધરપકડને મારા જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ માનું છું. કેજરીવાલ જી, તમને ખબર ન હતી કે સત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી. કેજરીવાલ જી, તમારો બધો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ સામે આવવાનો છે, ઓછામાં ઓછા 10 જુદા જુદા કૌભાંડો જે તમે સીએમ તરીકે કર્યા છે અને દિલ્હીના ગરીબોને લૂંટ્યા છે. 4 કૌભાંડોનો હું પોતે ગુનેગાર છું. સાક્ષી અને પુરાવા છે અને હું અહીં સોદો નહીં કરું. હું તમને સંપૂર્ણ રીતે ખુલ્લા પાડીશ અને તમને 4 કેસ/કૌભાંડમાં તમારી વિરુદ્ધ સરકારી સાક્ષી પણ બનીશ જેનાથી તમે ડરતા હતા. દિલ્હી એક્સાઇઝનો મુદ્દો માત્ર શરૂઆત છે.