નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ નેતા (Congress Leader) અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે આ અઠવાડિયે સોમવારે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે તેમણે માત્ર કોંગ્રેસના દિલ્હી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ પાર્ટી છોડી રહ્યા નથી અને ક્યાંય જઈ રહ્યા નથી. જો કે છ દિવસમાં તેમના નિવેદનથી વિપરીત તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. અરવિંદર સિંહ લવલીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસના અન્ય બે નેતાઓએ રાજીનામું આપી દીધું હતું. પૂર્વ ધારાસભ્યો નીરજ બસોયા અને નસીબ સિંહે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે વાંધો ઉઠાવતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બંને નેતાઓની સાથે રાજકુમાર ચૌહાણ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલીએ મીડિયાને સંબોધતા કહ્યું કે મેં મારા માટે નથી આપ્યું. મેં આ રાજીનામું કોંગ્રેસના કાર્યકરો માટે આપ્યું છે. તેમણે કહ્યું કે જો મારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે તો બાવરિયા જીનો આભાર. અન્ય કોઈ પક્ષમાં જોડાવા અંગે તેમણે કહ્યું કે હું અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોએ એવું નથી કહ્યું કે અમે વર્તમાન કેજરીવાલ સરકારને ક્લીનચીટ આપી છે. તેમણે કહ્યું કે મેં મારા દિલની વેદના અને દિલ્હીના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની પીડા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી છે. મારી પીડા સિદ્ધાંતો વિશે છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તમામને પાર્ટીમાં આવકારતા કહ્યું કે જે વ્યક્તિ મૂળભૂત રીતે દિલ્હીને પ્રેમ કરે છે તે કોંગ્રેસમાં રહી શકે નહીં. મને આશા છે કે ભવિષ્યમાં આપણે બધા મળીને દિલ્હીને સુંદર બનાવવા માટે કામ કરીશું.
ભાજપમાં જોડાયા બાદ લવલીએ મીડિયાને સંબોધતા કહ્યું કે હું ભાજપનો આભાર માનવા માંગુ છું. પાર્ટીએ અમને એવા સમયે સમર્થન આપ્યું જ્યારે અમે આમ તેેમ ભટકતા હતા. અમે દિલ્હીમાં બીજેપીની સરકાર બનાવવા માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે મોદીના હાથને વધુ મજબૂત કરવાનું કામ કરીશું.