દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે ફરી એક ઝટકો લાગ્યો છે. તાજેતરના કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે (Court) એક્સાઇઝ મામલાને લગતા ED કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. કોર્ટે બીઆરએસ નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી પણ 7 મે સુધી લંબાવી છે.
દિલ્હી દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. હવે આગામી સુનવણી 7 મેના રોજ થશે. તેની સાથે કોર્ટે કે કવિતાની ન્યાયિક કસ્ટડી પણ વધારી દીધી છે. અરવિંદ કેજરીવાલ આજે તેમની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ જેલમાંથી વીસી સમક્ષ હાજર થયા હતા.
બીજી તરફ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ સીએમ અરવિંદ કેજરીવાલને ધરપકડ બાદ પ્રથમ વખત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ સતત વધી રહ્યું હતું, ત્યારબાદ તેમને ઈન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. આ પહેલા તેમને ઇન્સ્યુલિન આપવા બાબતે તેમણે પોતે અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા દિવસથી માંગણી કરી રહ્યા હતા.
કેજરીવાલના ભોજન બાબતે કોર્ટે સોમવારે કહ્યું હતું કે તે સમજી શકતા નથી કે કેજરીવાલનો પરિવાર તેમને કેરી, મીઠાઈઓ અને આલૂ-પુરી શા માટે ખોરાક તરીકે મોકલી રહ્યો હતો જ્યારે તે તબીબી રીતે નિર્ધારિત આહાર સાથે સુસંગત ન હતો. કેજરીવાલને ડાયાબિટીસ છે અને તબીબી નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલ આહાર આવા ખોરાકને મંજૂરી આપતું નથી.
કોર્ટે 1 એપ્રિલે એક આદેશ પસાર કર્યો હતો જેમાં કેજરીવાલની તબિયતને ધ્યાનમાં રાખીને જેલમાં ઘરે બનાવેલું ભોજન ખાવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ એવું બહાર આવ્યું કે ઘરે બનાવેલો ખોરાક અમુક સમયે તબીબી ટીમ દ્વારા સૂચવવામાં આવેલા આહાર કરતા અલગ હતો. કેજરીવાલની અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે આ અવલોકનો કર્યા હતા, જેમાં તેમણે તિહાર જેલના સત્તાવાળાઓને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દરરોજ 15 મિનિટ માટે તેમના ડોક્ટરની સલાહ લેવાની મંજૂરી આપવા માટે નિર્દેશ માંગ્યો હતો.