National

નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભના PM મોદીએ કરેલા અનાવરણ પછી પાર્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

નવી દિલ્હી: નવા સંસદ ભવનની (Sansad Bhavan) ઇમારતની છત પર 20 ફુટ ઉચા વિશાળ અશોક સ્તંભનું (Ashok Stambh) પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અનાવરણ કર્યું હતું. હવે આ મુદ્દે પાર્ટીઓ (Party) વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે. AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે આવું કરવું બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન છે. તેઓએ કહ્યું કે બંધારણ સંસદ, સરકાર અને ન્યાયતંત્રની સત્તાઓને અલગ પાડે છે. લોકસભાના અધ્યક્ષ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે જે સરકારને ગૌણ નથી. વડાપ્રધાને તમામ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસ પક્ષોને કાર્યક્રમમાં આમંત્રણ ન અપાતા તેઓએ પણ નારાજગી વ્યકત કરી હતી. જ્યારે સંસદ તમામ પક્ષોની છે તો પછી સંસદને લગતા કાર્યક્રમમાં અન્ય પક્ષોને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સીપીએમ તરફથી આ સમગ્ર વિવાદ પર એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે PMએ અનાવરણ દરમિયાન પૂજા કરી હતી તે યોગ્ય ન હતી. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે અશોક સ્તંભ પ્રતિકના અનાવરણને કોઈપણ ધાર્મિક કાર્યક્રમ સાથે જોડવું જોઈએ નહીં. ધર્મને રાષ્ટ્રીય કાર્યક્રમોથી અલગ રાખવો જોઈએ.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું હતું કે નવું સંસદ ભવન આત્મનિર્ભર અને નવા ભારતની ઓળખ બનશે અને લોકોની આશાઓ અને આકાંક્ષાઓની પરિપૂર્ણતાનું સાક્ષી બનશે. જેની ટોચ પર આ રાષ્ટ્રીય પ્રતીક હંમેશા તાજના રત્ન ની જેમ ઝળહળતું રહેશે.

અશોક સ્તંભનું વજન લગભગ 9500 કિલોગ્રામ છે, તે કાંસામાંથી બનાવવામાં આવ્યો છે. તેના સપોર્ટ માટે લગભગ 6500 કિલોગ્રામ વજનવાળી સ્ટીલની એક સહાયક સંરચના પણ બનાવામાં આવી છે. અશોક સ્તંભ ચિન્હને આઠ તબક્કાની પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ નવા સંસદ ભવનના નિર્માણ પર 200 કરોડનો વધારાનો ખર્ચ થઈ શકે છે. 

જણાવી દઈએ કે દિલ્હીમાં નિર્માણ થઈ રહેલા નવા સંસદ ભવનનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આગામી શિયાળુ સત્ર નવા સંસદ ભવનમાં કરાવાનો લક્ષ્ય રાખ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જાન્યુઆરીમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેંટે નવા સંસદ ભવનના નિર્માણના ખર્ચમાં થનારા વધારા માટે લોકસભા સચિવાલયની મંજૂરી માગી હતી.

Most Popular

To Top