National

તિહારથી બહાર આવી કેજરીવાલે કહ્યું- દેશને તાનાશાહીથી બચાવવાનો છે, બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે

નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arwind Kejriwal) તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પહેલા નિવેદનમાં કહ્યું કે જનતા ન્યાય કરશે. સરમુખત્યારશાહીનો અંત આવશે. તેમણે કહ્યું કે તમારી વચ્ચે રહીને સારું લાગે છે. મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ, હું તમારી વચ્ચે આવ્યો છું. અરવિંદ કેજરીવાલ કાર્યકરોની ભારે ભીડ વચ્ચે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તેમની સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા અને AAP રાજ્યસભાના સભ્ય સંદીપ પાઠક પણ હતા. કેજરીવાલ કાલે બપોરે 1 વાગે પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે.

અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તેમના સ્વાગત માટે તિહારની બહાર મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ હાજર હતા. તેઓ અહીંથી સીધા તેમની પત્ની અને પુત્રી સાથે સીએમ આવાસ માટે રવાના થયા હતા. તિહારથી બહાર આવ્યા બાદ કેજરીવાલ શનિવારે સવારે 11 વાગે કનોટ પ્લેસમાં હનુમાન મંદિર જશે. તેમણે વધુમાં વધુ લોકોને આવવાની અપીલ કરી છે. કેજરીવાલે એ પણ જણાવ્યું કે તેઓ 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે.

ઘરે પહોંચ્યા બાદ સીએમ કેજરીવાલે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના જજોનો આભાર માનું છું. જેના કારણે આજે હું તમારી વચ્ચે ઉભો છું. હું તમારી વચ્ચે આવીને કહેવા માંગુ છું કે આપણે દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે. કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું કે હું તમને વિનંતી કરું છું આપણે બધાએ સાથે આવીને દેશને સરમુખત્યારશાહીથી બચાવવો પડશે. હું મારા તન, મન અને ધનથી લડી રહ્યો છું. સરમુખત્યારશાહી સામે લડતા આજે તમારી વચ્ચે રહીને સારું લાગે છે. આવતીકાલે સવારે 11 કનોટ પ્લેસ હનુમાનજી મંદિરમાં મળીશું. હનુમાનજીના આશીર્વાદ લઈશું.

જણાવી દઈએ કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં 1 એપ્રિલથી તિહાર જેલમાં બંધ હતા. કોર્ટે આજે બપોરે 2 વાગ્યે એક જ લાઇનમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જો કે તેમના વકીલે 5 જૂન સુધીના જામીન મંજુર કરવાની વિનંતી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા 1 જૂને સમાપ્ત થઈ જશે.

Most Popular

To Top