નવી દિલ્હી: (New Delhi) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સુલતાપુરીના કાંઝાવાલામાં બનેલી ઘટના બાદ મૃતક અંજલિની મિત્ર નિધિના નિવેદનો પર ચોતરફ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. અંજલિના સંબંધીઓ નિધિના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે. દિલ્હી મહિલા આયોગના (Delhi Commission for Women) ચેરપર્સન સ્વાતિ માલીવાલથી લઈને સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ નિધિ (Nidhi) પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ તે કેવી મિત્ર જે પોતાની મિત્રને તકલીફમાં જોઈ ભાગી ગઈ અને ઘરે જઈ સુઈ ગઈ.
આ ઘટનામાં જે રીતે નિધિ અંજલિને કારની નીચે છોડીને ઘરે ભાગી ગઈ હતી તેને લઈને લોકોમાં ગુસ્સો છે. સીસીટીવી જોયા પછી પોલીસે તેને શોધી હતી. ત્યાં સુધી તે ચૂપ રહી હતી. પરંતુ નિધિ હવે મીડિયાથી ઘેરાયેલી છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. નિધિ પ્રત્યે લોકોની નારાજગીનું સૌથી મોટું કારણ તેની મિત્રને યાતનામાં મરી જવા માટે છોડીને ભાગી જવું અને પછી અકસ્માત માટે મૃતકને જ જવાબદાર ઠેરવવાનો પ્રયાસ છે. નિધિ કહે છે કે અંજલિએ હોટલમાં ખૂબ દારૂ પીધો હતો. તેના ના પાડવા છતાં તેણે ઝઘડો કરીને સ્કૂટીની ચાવી લીધી અને પોતે ડ્રાઈવ કરવા લાગી હતી. જો કે અંજલિના કાકા ડો.ભુપેન્દ્ર ચૌરસિયાએ દાવો કર્યો છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં અંજલી નશામાં હોવાનો કોઈ ઉલ્લેખ નથી.
અંજલિના કાકાએ કહ્યું- નિધિ ખોટું બોલી રહી છે
ડો.ચૌરસિયાએ કહ્યું કે નિધિના તમામ આરોપો પાયાવિહોણા છે. એક છોકરી 75-76 કલાકથી ગુમ થઈ ગઈ હતી અને અચાનક તે સામે આવીને કહે છે કે તે ઘટનાની પ્રત્યક્ષદર્શી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંજલિનું મગજ મળ્યું નથી. કેટલાક કિલોમીટર ઘસડાયા બાદ શક્ય છે કે તેના મગજનો ભાગ ખોપડીમાંથી બહાર આવીને ક્યાંક પડી ગયો હોય. તે માત્ર હત્યા નથી પણ પીડા આપીને હત્યા કરવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અંજલિના આખા શરીર પર કુલ 40 ઘા છે. ઘર્ષણને કારણે ઉત્પન્ન થતી ગરમીને કારણે શરીરમાં ઓછામાં ઓછી 25-26 જગ્યાએ ત્વચા બળી ગઈ હતી. અંજલિના બંને ફેફસા બહાર આવી ગયા હતા. અહેવાલો અનુસાર અંજલિને 5-6 કિલોમીટર સુધી ખેંચવામાં આવી ત્યાં સુધી તે જીવતી હતી ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું. આ બાબતો જણાવતા તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે અંજલિના પેટમાં આલ્કોહોલ નથી મળ્યો.
મહિલા આયોગના ચેરપર્સને કરી ટીકા
દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલે પણ નિધિના નિવેદનોની ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે આ ઘટના અંગે નિધિની પણ તપાસ થવી જોઈએ. તેમણે લખ્યું કે આજે જ્યારે પોલીસે અંજલિની ફ્રેન્ડને પકડી ત્યારે તે ટીવી પર અંજલિ વિશે બકવાસ બોલી રહી હતી. જે છોકરીએ તેની મિત્રને રસ્તામાં મરતી જોઈ તેને મદદ કરવાને બદલે ઘરે જઈને સૂઈ ગઈ હોય તેના પર ભરોસો કેવી રીતે કરી શકાય?
બીજી તરફ નિધિએ કહ્યું કે અંજલિનો હોટલમાં તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. જ્યારે તેનો બોયફ્રેન્ડ તેને છોડીને ચાલ્યો ગયો ત્યારે અંજલિએ ખૂબ દારૂ પીધું. પછી જ્યારે જવાનો સમય થયો ત્યારે તેણે સ્કૂટી જાતે ચલાવવાનો આગ્રહ કર્યો. લાખ સમજાવટ પછી પણ તે રાજી ન થઈ એટલે મેં તેને ચાવી આપી. અંજલિ નશામાં હતી જોકે પેલા છોકરાઓ (બલેનોમાં સવાર) પણ જાણતા હતા કે છોકરી નીચે ફસાઈ ગઈ છે.
અંજલિની માતાએ કહ્યું- નિધિને કેમ ઈજા ન થઈ
બીજી તરફ અંજલિની માતાનું કહેવું છે કે નિધિએ તેની પુત્રીને મરવા માટે છોડી દીધી હતી અને હવે તેના મૃત્યુ બાદ તેના વિશે જેમ તેમ બોલી રહી છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે નિધિ પણ સ્કૂટર પર પાછળ બેઠી હતી તો પછી તેને નાની-મોટી ઈજા પણ કેમ ન થઈ. અંજલિની માતાએ કહ્યું કે એ છોકરી ત્રણ દિવસ ક્યાં હતી? ધારો કે મારી દીકરીને આટલો મોટો અકસ્માત થયો હોય તો તેને પણ કેમ ઈજા ન થઈ? જો બંને એક જ વાહન પર ગયા તો તેને થોડી પણ ઈજા થઈ હોત?’