નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (Delhi-NCR) આ દિવસોમાં ગંભીર પ્રદૂષણનો (Air Pollution) સામનો કરી રહ્યું છે. શાળાઓ (Schools) બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી કોઈ રાહત નથી. દરમિયાન કૃત્રિમ વરસાદ (Artificial Rain) કરવાની યોજના છે. આ માટે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બેઠક બોલાવી હતી. બેઠક બાદ ગોપાલ રાયે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજધાની દિલ્હીમાં 20 અને 21 નવેમ્બરે કૃત્રિમ વરસાદ થઈ શકે છે. કેજરીવાલ સરકાર પહેલીવાર દિલ્હીમાં આવો વરસાદ કરવાની યોજના બનાવી રહી છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે તેમના નિવાસસ્થાને આ બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાયે જણાવ્યું કે IIT કાનપુરે કૃત્રિમ વરસાદનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ તેમનું ક્લાઉડ સીડીંગનું મોડલ ચોમાસાની સીઝન માટે છે. તેથી, અમે તેમને શિયાળાની ઋતુમાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદની શક્યતાઓ શોધવાનું કહ્યું છે.
IIT કાનપુરના નિષ્ણાતો 2017 થી ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ ઉત્પન્ન કરવાની તકનીક પર કામ કરી રહ્યા હતા. આ વર્ષે જૂનમાં IIT કાનપુરને આમાં સફળતા મળી હતી. પરીક્ષણ દરમિયાન આર્મી એરક્રાફ્ટ (નાના એરક્રાફ્ટ)ને પાંચ હજાર ફૂટની ઊંચાઈએ ઉડાડવામાં આવ્યા હતા. આ પછી, ક્લાઉડ સીડીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વાદળોમાં કેમિકલ પાવડર છાંટવામાં આવ્યો, જેના કારણે પાણીના ટીપાં બનવા લાગ્યા. અને થોડીવાર બાદ આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
શું છે ક્લાઉડ સીડિંગ?
એવું માનવામાં આવે છે કે ક્લાઉડ સીડિંગ પર કામ 1940ના દાયકાથી ચાલી રહ્યું છે. અમેરિકા પર વિયેતનામ યુદ્ધમાં ક્લાઉડ સીડિંગનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ છે. આના કારણે વિયેતનામી સૈન્યની સપ્લાય ચેઈન બગડી ગઈ હતી, કારણ કે વધુ પડતા વરસાદને કારણે જમીન દલદલી બની ગઈ હતી. જો કે, આ માટે કોઈ નક્કર પુરાવા નથી. 2017 માં, યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલ વિશ્વ હવામાન સંસ્થાએ અંદાજ લગાવ્યો હતો કે વિશ્વના 50 થી વધુ દેશોએ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચીન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે.
રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ (AirPollution) વચ્ચે કેજરીવાલ સરકારે (KejriwalGovernment) ફરી એકવાર ઓડ-ઈવન સિસ્ટમ (OddEven) અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઈવન સિસ્ટમ 13 થી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે. સરકારના નિર્ણય અનુસાર દિલ્હીમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ કાર પર પ્રતિબંધ ચાલુ રહેશે અને આ સમયગાળા દરમિયાન નવું કોઈ બાંધકામ કરી શકાશે નહીં. આ સિવાય હવે 6ઠ્ઠી, 7મી, 8મી, 9મી અને 11મા ધોરણ માટે દિલ્હીની સ્કૂલોમાં ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે.