National

દિલ્હી વાયુ પ્રદૂષણઃ 7 દિવસ માટે શાળા-સરકારી કચેરીઓ બંધ, વધતા પ્રદૂષણ બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય

દિલ્હી: (Delhi) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે શહેરમાં ગંભીર વાયુ પ્રદૂષણને (Air pollution) પહોંચી વળવા માટે તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક બાદ સીએમ કેજરીવાલે એક સપ્તાહ માટે શાળા બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમજ 14 થી 17 સુધી દિલ્હીમાં નિર્માણ કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત સરકારી કચેરીઓ પણ એક સપ્તાહ સુધી બંધ રહેશે. દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને લઈને અધિકારીઓ સાથેની બેઠક બાદ સીએમ કેજરીવાલે કહ્યું કે, ખાનગી ક્ષેત્રમાં એક એડવાઈઝરી જારી કરવામાં આવશે કે વધુને વધુ લોકોને ત્યાંથી કામ આપવામાં આવે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય અને દિલ્હીના મુખ્ય સચિવ આ ઈમરજન્સી મીટિંગમાં સામેલ થયા હતા.

દિલ્હીમાં સોમવારથી એક સપ્તાહ માટે શાળાઓ બંધ રહેશે. માત્ર વર્ચ્યુઅલ ક્લાસ જ ચાલશે. 14-17 નવેમ્બર સુધી બાંધકામની પ્રવૃત્તિ બંધ રહેશે. સરકારી કચેરીઓનું કામ ઘરેથી કરાશે જેથી કચેરીઓ બંધ રહેશે. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હીમાં લોકડાઉન પર વિચાર કરી રહ્યા છીએ. અમે પ્રદૂષણને પહોંચી વળવા શું કરવું તે અંગે એક પ્રસ્તાવ બનાવી રહ્યા છીએ. બધાને વિશ્વાસમાં લઈને અમે સુપ્રીમ કોર્ટને જાણ કરીશું.

આ અગાઉ સુપ્રીમ કૉર્ટે શનિવારે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણમાં વધારાને ‘ઇમરજન્સી’ તરીકે ગણાવ્યો હતો અને કેન્દ્ર અને દિલ્હી સરકારને હવાની ગુણવત્તા સુધારવા માટે કટોકટીના પગલાં લેવા કહ્યું હતું. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બૅન્ચે કહ્યું કે, પ્રદૂષણની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો તેમના ઘરની અંદર માસ્ક પહેરી રહ્યા છે. બૅન્ચેમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ સામેલ હતા.

આ બૅન્ચે કહ્યું કે, ‘દરેક લોકો ખેડૂતોને જવાબદાર ઠેરવવાના મૂડમાં છે. શું તમે જોયું છે કે છેલ્લા સાત દિવસમાં દિલ્હીમાં કેવી રીતે ફટાકડા ફોડવામાં આવ્યા છે? આ કટોકટીની સ્થિતિ છે, આ અંગે જમીની સ્તરે અનેક પગલાં ભરવાની જરૂર છે. સુપ્રીમ કૉર્ટે આ અંગે સોમવારે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. વહીવટીતંત્રને કહ્યું કે, વાહનોને રોકવા અથવા લોકડાઉન લાદવા જેવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે. બૅન્ચે કહ્યું કે, તમારો મતલબ એમ લાગે છે કે માત્ર ખેડૂતો જ જવાબદાર છે. દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવાનાં પગલાં વિશે શું? મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનો કહેવાનો અર્થ એ નથી કે માત્ર ખેડૂતો જ જવાબદાર છે.

Most Popular

To Top