Charchapatra

વિલંબિત ન્યાય

ન્યાયમાં વિલંબ ઘણી વાર અન્યાય બની જાય છે. ‘‘એક ઘા બે કટકા’’ જેવો ઝડપી ન્યાય જરૂરી છે. ભારતની વિવિધ અદાલતોમાં પાંચ પોઈન્ટ એકતાળીસ કરોડની સંખ્યામાં કેસો પેન્ડિંગ હોવાના સમાચાર આવ્યા છે. એક તરફ કેસો વધતા જાય છે તો બીજી તરફ ન્યાયાધીશો નિવૃત્તિ સાથે ઘટતા જાય છે. હાઈકોર્ટમાં બસો ને સત્તાણું તો નીચલી કોર્ટોમાં ચાર હજાર આઠસો પંચાવન જેટલી જગ્યાઓ ખાલી પડી છે. રજા અરજીઓથી વિલંબ વધે છે. કેસોની સંખ્યા વિભાજિત કરવા કાયમી ધોરણે ઝોનલ બેન્ચો બનવી જોઈએ, વળી અરજદારોને પણ નજીકમાં અદાલત મળી રહે.

તદુપરાંત ઈવનીંગ કોર્ટ પણ શરૂ કરી શકાય. વિડિયો કોન્ફરન્સથી સુનાવણી તો ઝડપ વધારી શકે. જરૂરી હોય ત્યાં નવી કોર્ટો શરૂ થઈ શકે. જો કેસ પ્રમાણે ટાઈમ શિડયુઅલ ગોઠવાય તો પક્ષકારો અને વકીલોને પણ રાહત થાય, સુનાવણી ઝડપી બને ‘‘તારીખ પે તારીખની વ્યથા’’ ટળે. ન્યાયના ખરા હકદારને વિલંબને કારણે સમયસર ન્યાય મળતો નથી. કરોડો વિલંબિત કેસો સાથે જ ન્યાયતંત્ર માટે મોટો પડકાર બને છે. તમામ પક્ષે નાણાં સમય-શક્તિ વેડફાય છે. ક્રિમીનલ અને સિવિલ કેસો માટે અલગથી વિચારવું જોઈએ.

વિલંબિત કેસોને કારણે આર્થિક રીતે કમજોર વ્યક્તિનો કારાવાસ લંબાતો રહે છે, ઘણી વાર તો વર્ષો નીકળી જાય છે. હવે કોઈ જહાંગીરી ન્યાય પ્રથા રહી નથી. હાલમાં અદાલતી ચક્કર ભારે પડે છે, વકીલો મોંઘાં પડે છે. ધંધા રોજગારમાં આપત્તિ સર્જાય છે. નાણાં વેડફાટ, કરજ વધે, ધંધા રોજગાર ખોરવાય એ બધું ચલાવી લેવું પડે. કાનૂની વિધિઓ અને જોગવાઈ જનસાધારણ માટે ચિંતાજનક બને છે. સાચી લોકશાહીની અનુભૂતિ ત્યારે જ થાય કે જ્યારે પોલિસતંત્ર અને ન્યાયી તંત્રને જ ન્યાયી બનાવાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top