Editorial

સંરક્ષણ વિભાગની વેબસાઇટો હેક: ગંભીર ચિંતાની બાબત

ગયા મહિનાની બાવીસમી તારીખે કાશ્મીરના પહેલગામ નજીકના એક લોકપ્રિય ટુરિસ્ટ સ્થળે ત્રાસવાદી હુમલો થયો અને આ હુમલામાં દેખીતી રીતે પાકિસ્તાનની સંડોવણી જણાઇ તેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તનાવ વ્યાપી ગયો. આ તનાવ વચ્ચે પણ પાકિસ્તાનના અદક પાંસળી તત્વો તનાવને હળવો કરવાના પ્રયાસોને બદલે તનાવ વધે તેવા પ્રયાસો કરતા રહે છે. આ તનાવ વચ્ચે પાકિસ્તાની હેકરોએ ભારતીય સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલી કેટલીક વેબસાઇટો હેક કરવાનો પ્રયાસ કર્યો છે અને કેટલાક સંરક્ષણ કર્મચારીઓના સંવેદનશીલ ડેટા સાથે ચેડાં થયા હોઇ શકે છે એમ ભારતીય લશ્કરે જણાવ્યું છે. આ એક અત્યંત ગંભીર બાબત છે. સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલી સંસ્થાઓની વેબસાઇટો હેક થાય અને વળી સંરક્ષણ અધિકારીઓની સંવેદનશીલ માહિતી શત્રુના હાથમાં પહોંચી જાય કે આ માહિતી સાથે ચેડા થાય તે ખાસ કરીને આવા તનાવના સંજોગોમાં તો ખૂબ જ ગંભીર બાબત છે.
લશ્કરે જણાવ્યું છે કે એક્સ પ્લેટફોર્મ પરના પાકિસ્તાન સાયબર ફોર્સ નામથી હેન્ડલ ચલાવતા એક ગ્રુપે કથિત રીતે મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસીઝ અને મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીઝના સેન્સિટીવ ડેટા સુધી પહોંચ મેળવી છે. આ ડેટા બ્રીચ ઉપરાંત એવો પણ અહેવાલ છે કે આ આ જૂથે સંરક્ષણ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ, આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટને પણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ઓછામાં ઓછી ચાર આર્મી પબ્લિક સ્કૂલોની વેબસાઇટોને પણ હેકરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે એમ એક સૂત્રએ જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય હેઠળના એક PSU ની વેબસાઇટ પણ ડાઉન થઈ ગઈ હતી. જોકે, તે ડાઉન થવાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. ૨પમી એપ્રિલે આર્મી કોલેજ ઓફ નર્સિંગની વેબસાઇટને હેક કરવામાં આવી હતી અને ગ્રાફીક વિઝ્યુઅલ્સ વડે ડીફેસ્ડ કરવામાં આવી હતી. તે છેક સોમવારે સાંજ સુધી પણ ડાઉન ચાલી રહી હતી. સાવચેતીના પગલા તરીકે, આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની વેબસાઇટને ઓડિટ માટે ઑફલાઇન કરી લેવામાં આવી છે જેથી ડિફેસમેન્ટના પ્રયાસથી થતા કોઈપણ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય અને વેબસાઇટની અખંડિતતા સુનિશ્ચિત કરી શકાય એમ સેનાએ જણાવ્યું હતું. ફકત સંરક્ષણ વિભાગને લગતી જ નહીં પણ અન્ય ભારતીય સંસ્થાઓની વેબસાઇટો પણ તાજેતરમાં હેક કરવામાં આવી હતી. રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ તાજેતરમાં હેક કરવામાં આવી હતી અને તેના હોમ પેજ પર 2019 માં પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુસેના (IAF) ના અધિકારી અભિનંદન વર્ધમાનને પકડવા અંગે ભારતીય સંસ્થાનોની મજાક ઉડાવતો સંદેશ મૂકવામાં આવ્યો હતો. હેકર્સે પહેલગામ હુમલા પર પણ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરી હતી.
આ વેબસાઇટો હેક થયા બાદ તરત તેમને સુધારવાના અને સાવચેતીના પગલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો અને એજન્સીઓ કોઈપણ વધારાના સાયબર હુમલાઓ, ખાસ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા ખતરા કરનારાઓ દ્વારા પ્રાયોજિત હોઈ શકે તેવા સાયબર હુમલાઓ શોધવા માટે સાયબરસ્પેસનું સક્રિયપણે નિરીક્ષણ કરી રહ્યા છે, સેનાએ જણાવ્યું હતું કે ચાલુ દેખરેખનો હેતુ આ સાયબર હુમલાખોરો દ્વારા ઉભા થતા કોઈપણ ભવિષ્યના જોખમોને ઝડપથી ઓળખવા અને ઘટાડવાનો છે. પરિસ્થિતિના પ્રતિભાવમાં, સુરક્ષા માળખાને મજબૂત કરવા, ડિજિટલ સંરક્ષણને મજબૂત કરવા અને વધુ ઘૂસણખોરીના પ્રયાસો સામે રક્ષણ આપવા માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે એમ સેનાએ જણાવ્યું હતું. આ સાવચેતીના પગલાઓ લેવાય તે તો ખૂબ જરૂરી છે જ, પરંતુ તે સાથે જ આ વેબસાઇટો કઇ રીતે હેક થઇ શકી તેની પુરી તપાસ થવી જરૂરી અને કયાં ચૂક રહી ગઇ હતી અને ક્યાં છીંડા હતા તે શોધી કાઢવું જોઇએ. પાકિસ્તાની હેકરોના કોઇ નાપાક ઇરાદા સફળ થવા દેવાય નહીં.

Most Popular

To Top