નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા (Legislative Assembly) બેઠક પરની પેટાચૂંટણીમાં (Election) ભાજપને (BJP) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અહીંથી હારી (Lost) ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પેટાચૂંટણી પહેલા જ ભાજપે ટીટીને ભજનલાલ કેબિનેટમાં (Cabinet) મંત્રી બનાવ્યા હતા. તેથી આ ચૂંટણીમાં ભાજપે ઘણું જોખમ ઉઠાવ્યું હતું. કોંગ્રેસના (Congress) ઉમેદવાર રૂપિન્દર સિંહ કુનરે સુરેન્દ્ર પાલ ટીટીને 12 હજાર મતોથી હરાવ્યા (Defeated) છે.
ગત મહિને ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલિન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે આ બેઠક પરથી કુનરના પુત્ર રુપિન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. જે 12,570 મતોથી ચૂંટણી જીતી ગયા છે. તમને જણાવી દઈએ કે સુરેન્દ્ર પાલ ટીટીએ બરાબર 10 દિવસ પહેલા 30 ડિસેમ્બરે મંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને ભજનલાલ સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમણે જયપુરના રાજભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.
મંત્રી બન્યા બાદ સુરેન્દ્ર પાલ સિંહને પોતાની જીતને લઈને ઘણો વિશ્વાસ હતો. તેમણે કહ્યું હતું કે શ્રીકરણપુરના મતદારો ખૂબ જ સમજદાર છે. હું ચોક્કસ ચૂંટણી જીતીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીએ મારા થકી શીખ સમુદાયનું સન્માન કર્યું છે. ભાજપ તમામ 36 સમુદાયોને સાથે લે છે. જેમાં આપણો શીખ સમાજ પણ છે.
પરિણામ જાહેર થતાની સાથે જ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસના ઉમેદવારને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે શ્રીકરણપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રુપિન્દર સિંહ કુન્નરને તેમની જીત માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ વિજય પોતે ગુરમીત સિંહ કુન્નરના જનસેવાના કાર્યોને સમર્પિત છે. શ્રીકરણપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ગૌરવને હરાવ્યું છે.
9માં રાઉન્ડની મતગણતરી બાદ કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર સિંહ 4802 મતોથી આગળ હતા. તેમને 47930 મત મળ્યા હતા. જ્યારે ભાજપના સુરેન્દ્ર પાલને 43128 મત મળ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આજે 11.50 વાગ્યે કરણપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટી 3 હજાર મતોથી પાછળ હતા.
શુક્રવારે શ્રીગંગાનગરની શ્રીકરણપુર સીટ પર 81.38 ટકા મતદાન થયું હતું. મતગણતરીનાં દિવસે એટલે કે આજે સોમવારે મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઈવીએમની ગણતરી 14 ટેબલ પર કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની ગણતરી માટે એક ટેબલ રાખવામાં આવ્યું હતું.