Comments

મૂળભૂત નાગરીક અધિકારોની ઉપેક્ષા વધતી જાય છે

‘‘ રીંગ અને સાવચેતીના નામે સરકાર મૂળભૂત નાગરીક અધીકારોના અંત ન લાવી શકે!’’ આ વાત કોરોના કાળમાં લોકડાઉનનાં સમયે યુરોપીયન દેશોમાં કેટલાક સમાજ સામે ચિંતકોએ કરી હતી. યુરોપ અને ઘણા પરિપક્વ રાજનીતિ- શાસનવાળા દેશોમાં ‘‘લોકડાઉન’’ માં પણ મૂળભૂત નાગરિક અધિકારોનો અંત નો તો આવ્યો. ભારતમાં સ્થિતિ જુદી હતી. શાસકે લોકડાઉન અને લોકઅપ વચ્ચેનો ભેદ ન્હોતા સમજ્યા અને લોકડાઉનના નામે કરફ્યુનો અમલ કરી નાખ્યો જેમાં નરી અમલદારશાહી જોવા મળી.

પણ પ્રશ્ન સરકાર કરતા પણ દેશના નાગરીકે નો વધારે છે. ખાસ તો પ્રબુદ્ધ નાગરીકો, સેવકો, ચિંતકો, સમાજ શાસ્ત્રીઓ જાણે કે તેઓ ‘સરકાર કરે તે બરાબર જ કરે’ ના નિયમને માન્ય કરી લીધો છે. માટે દેશમાં મૂખ્ય ધારામાં મૂળભૂત નાગરીક અધિકારો માટે ક્યાંય લખાતું નથી, બોલાતું નથી, અને જે ગાણ્યાગાઠ્યા લોકો આ વાત કરે છે. તેમને કાંતો સાંભળવામાં નથી આવતા અથવા તેને શાસકપક્ષ વિરોધી માની લેવાય છે અને શાસનનો કાન પકડવાની જેની ફરજ છે. તે વિપક્ષ પોતે જ ‘‘નાગરીક અધિકારો’’ માટે જાગૃત નથી કારણ એક રાજ્યમાં જે શાસનમાં છે તે બીજાના વિપક્ષમાં અને મૂળભૂત નાગરીક અધિકારોનું સ્થાન રોજીંદા જીવનમાં રાજ્ય સરકારે કરવાનું છે.  એટલે ખરેખર આ પ્રશ્ન ભાજપનો કે કોંગ્રેસનો નથી. આ પ્રશ્ન સત્તામાં રહેલા તમામ પક્ષોનો છે. અને ખાસ તો દેશના કર્મશીલ, જાગૃત નાગરીકોનો છે!

વડાપ્રધાન કે મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય, રેલી હોય તો આખો વિસ્તાર બંધ કરી દેવામાં આવે. સ્થાનિક નાગરીકોને કાર્યક્રમના સમય કરતા વહેલા જ જાહેર કેદનો અનુભવ થવા માંડે! હમણાં હમણાં રોડ શોનું ઘેલું લાગ્યું છે અને આમ પણ શહેરમાં ટ્રાફીકની અરાજકતા જ હોય છે એટલે આવા ‘રોડ શો’ રીતસર ત્રાસ ઊભો કરે છે. શાળાએ જતા બાળકો, દવાખાને જતા દર્દીઓ, નોકરીએ જતા કર્મચારીઓ કોઈનો વિચાર આ રોડ શોમાં થતો નથી. ધાર્મિકયાત્રાઓ, રાજનીતિક રેલીઓ, સામાજીક સભા સરઘસો પહેલા પણ થતા જ હતા. પણ છેલ્લા વર્ષોમાં આ પ્રકારના તમામ આયોજન સમયે સત્તાવાળા કાયદો વ્યવસ્થા સંભાળવાના નામે ‘બધુ બંધ’ કરી દેવા માંડ્યા છે. જે ખોટું છે હમણાં તો ક્રિકેટ મેચના કારણે નાગરીકો મુશ્કેલીમાં મુકાયા… સોસાયટીઓના રસ્તા બ્લોક થયા… મોટા શહેરોમાં એરપોર્ટ રોડ પર રહેનારને કાયમનો ત્રાસ થવા લાગ્યો છે. નેતાઓ આવે અને જાય. નાગરીકો પરેશાન થાય!

‘‘ત્રાસવાદ’ શબ્દનો અર્થ જ છે ત્રાસની વિચારધારા.. પોતાનીવાત તર્ક-દલીલ-વાતચિત- સાબિતી દ્વારા મનાવવાને બદલે માનસિક- શારીરિક ત્રાસ દ્વારા મનાવવાની વિચારધારા એટલે ત્રાસવાદ ત્રાસવાદીઓ બોમ્બવિસ્ફોટ, હત્યાઓ દ્વારા માનસિક ત્રાસ ફેલાવે છે. તેઓ હુમલો કરે ત્યારે પચાસ-સો લોકો મરે છે. પણ આ હુમલાના સમાચાર અને ડરથી કરોડો લોકો રોજ ડરી ડરીને મરે છે. ત્રાસવાદીઓ આજે ત્રાસ ફેલાવે છે, ડર ફેલાવે છે. તે રોકો તો ત્રાસવાદ નિષ્ફળ ગયો કહેવાય. પણ જો આ ત્રાસવાદના નામે તમે કરોડો લોકોના વાહન-વ્યવહારને રોજ રોક્યા કરો.

હરવા-ફરવાના સ્થળોએ દૂર દૂર પાર્કીંગ કરાવો, મોબાઈલ, કેમેરા આધા કરાવો, ધર્મ સ્થળ હોય તો બે-બે કિ.મી. દૂર ચંપલ કઢાવી દો. પાર્કીગ દૂર કરાવી લાંબી લાંબી લાઈનોમાં અબાલ-વૃદ્ધ, બિમાર, સગર્ભા, અશક્ત બધાને ચલાવો મોટા મોટા ચોર-વિશાળ જગ્યાઓ હોવા છતાં લોખંડની પાઈપોમાં લાંબી લાંબી લાઈનો કરાવો.. અને આ બધુ કર્યા પછી પણ તે જે જોવા દર્શન કરવા, માથું ટેકાવવા આવ્યો છે એ તો એને શાંતિથી કરવા જ ન દો. તો ત્રાસની માનસિકતા વધુ ફેલાશે.. ત્રાસવાદીઓ આ જ તો કરવા માંગે છ!

સહજ સરળ નાગરીક જીવનને સતત ડરના ઓથાર તળે રાખવા માંગે છે અને સત્તાવાળા તેને સફળ બનાવે છે. મૂળતો કાયદો વ્યવસ્થાના રક્ષકો ખૂરશી ટેબલ પર બેઠા બેઠા વ્યવસ્થા જાળવવા માગે છે માટે તેઓ પ્રતિબંધોનો અને અંકૂશોનો આશરો લે છે! કારણકે જો એક ધર્મસ્થળમાં ચાર દરવાજા હોય અને ચારેય બાજુથી માણસો પ્રવેશ મેળવતા હોય તો ચારેય દરવાજો તેમણે ડ્યુટી કરવી પડે! વાતમાત્ર ધર્મસ્થળની નથી  ક્રિકેટના મેદાનમાં પણ તમે સ્વાભાવીક પ્રવેશ મેળવી શકતા નથી.. રોડ શો એમને કરવાના અને ચેકીંગમાંથી પસાર તમારે થવાનું!

આપણે ત્યાં પર્યટનથી માંડીને પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ સુધી આયોજકો, જે તે સ્થળના સંચાલકો, પોતપોતાના મનઘડંત નિયમ બનાવી દે છે. મનઘડંત પ્રવેશ ફી કે નિયમો બનાવી દે છે. પોલીસ કમિશનરનું જાહેરનામું દરેક વખતે કાયદા મુજબનું હોય જ એ જરૂરી નથી! શિક્ષણ વિભાગના તમામ પરિપત્રો બંધારણ મુજબના હોય જ એવું ન પણ હોય! ક્યારેક જે તે અધિકારીના મનનો તુક્કો પણ પરિપત્ર રૂપે ફરતો થઈ જાય આ સમયે જાગૃત નાગરીક કે સતર્ક નેતાઓએ તેનો વિરોધ કરવો પડે! શક્ય છે આપણે ભાજપમાં માનતા હોઈએ અને ભાજપના જ રાજ્યમાં આ વિરોધ કરવો પડે! કોંગ્રેસના નેતા હોઈએ અને કોંગ્રેસના જ રાજ્યમાં ખોટો નિયમ બન્યો હોય!

યાદ રાખો પશ્ચીમ બંગાળમાં મમના બેનર્જી હોય કે રાજસ્થાનમાં અશોક ગેહલોક, દિલ્હીમાં કેજરીવાલ સરકાર હોય કે ગુજરાતમાં ભાજપ મૂળભૂત નાગરીક અધિકારોની બાબતમાં બધે કાગડાકાળા છે. કારણકે રોજીંદી શાસન પોલીસ ચલાવે છે. અને પોલીસતંત્રમાં આપખૂદશાહી વધતી જ જાય છે. કોઈપણ ક્ષણે નાગરીક વ્યવહારો રોકી દેવા, કોઈપણને પકડવા, મારમારવા, કોઈની વાત સાંભળવી નહીં.. આ બધું જ વીના રોકટોક ચાલી રહ્યું છે. વધતુ જાય છે. કહેવાતી લોકશાહીમાં મૂળભૂત વ્યક્તિ સ્વાતંત્ર લોપ થતું જાય છે. અને આપણા પ્રબુદ્ધ વર્ગ કે રાજકવીઓમાં તેની લેશમાત્ર ચિંતા નથી!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top