બોલિવૂડ પર દક્ષિણની ફિલ્મો હાવી થઇ રહી હોવાનું સતત જોવા મળી રહ્યું છે. અત્યારે બૉલિવૂડ કરતાં દક્ષિણની હિન્દીમાં રજૂ થનારી ફિલ્મો ‘KGF ચેપ્ટર ૨’ અને ‘RRR’ ની જ ચર્ચા વધુ છે. આ બંને ફિલ્મો વચ્ચે એપ્રિલમાં ટક્કર થવાની હોવાના અહેવાલ છે. કોરોના વાયરસના ઓમિક્રોનના ફેલાવાને કારણે ઘણી ફિલ્મોની થિયેટરમાં થનારી રજૂઆત અટકી ગઇ એમાં ‘RRR’ મુખ્ય છે. નિર્દેશક એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મની હવે યશની ‘KGF ચેપ્ટર ૨’ સાથે ટક્કર થવાની છે.
એક અહેવાલમાં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવામાં આવી રહી છે એમાં ‘KGF ચેપ્ટર ૨’ પહેલા સ્થાન પર છે અને ‘RRR’ બીજા સ્થાન પર આવી છે. એક મહિના પહેલાં જ ફિલ્મોની ટક્કરથી નુકસાન થયાનો દાખલો છે. દક્ષિણની ‘પુષ્પા’ અને હૉલિવૂડની ‘સ્પાઇડર મેન’ ની ટક્કરમાં બંને વચ્ચે દર્શકો વહેંચાયા છે. એ પછી રજૂ થયેલી રણવીર સિંહની ‘૮૩’ ને પણ બોક્સ ઓફિસ પર અસર થઇ હતી. ક્રિકેટના વર્લ્ડ કપની જીત પર આધારિત ‘૮૩’ ને ભારતમાં રૂ.૧૦૦ કરોડની કમાણી કરવા માટે ત્રીજા વીકએન્ડ સુધી રાહ જોવી પડી હતી.
નિર્દેશક કબીર ખાનની ‘૮૩’ પછી રણવીર સિંહ રોહિત શેટ્ટીની ‘સર્કસ’ માં દેખાવાનો છે. રોહિતે ‘સૂર્યવંશી’ ની રજૂઆત માટે ઘણી રાહ જોવી પડી હતી. હવે ‘સર્કસ’ ને તે બહુ જલદી રજૂ કરવાની તારીખ જાહેર કરશે. કોરોનાની ત્રીજી લહેર પછી દર્શકો ફરી થિયેટરમાં જતા ખચકાવા લાગ્યા છે અને ઘણી જગ્યાએ થિયેટરો બંધ કરવામાં આવ્યાં છે અથવા ઓછી ક્ષમતા સાથે ચલાવવામાં આવી રહ્યાં છે. એ કારણે ‘સર્કસ’ માટે યોગ્ય તારીખ શોધવામાં આવી રહી છે. રણવીર માને છે કે તમે ‘ગોલમાલ’ ને પસંદ કરી હશે તો ‘સર્કસ’ ગમશે જ કેમ કે આ ફિલ્મમાં પણ ઘણા કોમેડિયનોને લેવામાં આવ્યા છે.
રણવીરની જેમ તેની પત્ની દીપિકા પાદુકોણ- સિંહની ‘૮૩’ પછી બીજી ફિલ્મ ‘ગહરાઇયાં’ આવી રહી છે. OTT પર રજૂ થનારી નિર્દેશક શકુન બત્રાની ‘ગહરાઇયાં’ ના પહેલા ટીઝરે ઘણી ચર્ચા જગાવી છે. દીપિકાએ લગ્ન પછીની આ ફિલ્મમાં સિધ્ધાંત ચતુર્વેદી સાથે અંતરંગ અને ચુંબન દ્રશ્ય આપીને બધાને ચોંકાવી દીધા છે. દીપિકા લગ્ન પછી વધુ બોલ્ડ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આધુનિક સંબંધને બતાવતી આ ફિલ્મમાં માનવીય સંવેદનાઓની જટિલતાને બતાવવાનો પ્રયાસ થયો છે. દીપિકા દરેક ફિલ્મમાં અલગ ભૂમિકાઓ નિભાવી રહી છે.
અત્યારની પાંચ સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાં દીપિકાનો સમાવેશ થયો છે. અક્ષયકુમારને ગણતરીમાં ના લઇએ તો અન્ય હીરો કરતાં હીરોઇનો વધુ ફિલ્મો મેળવી રહી છે. દીપિકાની શાહરૂખ ખાન સાથેની ‘પઠાન’ અને રિતિક રોશન સાથેની ‘ફાઇટર’ મુખ્ય છે. અમિતાભ બચ્ચન સાથે ‘ધ ઇન્ટર્ન’ ની રીમેક ઉપરાંત પ્રભાસ સાથે પણ તે એક ફિલ્મ કરી રહી છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે અભિનેત્રીઓને લગ્ન પછી ઓછી ફિલ્મો મળે છે પરંતુ દીપિકાની જેમ જ યામી ગૌતમને પણ નવી ફિલ્મો મળી રહી છે. છેલ્લે ‘ભૂત પોલીસ’ માં દેખાયેલી યામીએ અભિષેક સાથેની ‘દાસવી’ નું શૂટિંગ હમણાં જ પૂરું કર્યું છે. યામી બેહઝાદ ખંભાતાની ‘અ થર્સડે’, અનિરુધ્ધ રૉયની ‘લોસ્ટ’, અમિત રાયની ‘OMG ૨’ અને ‘ધૂમધામ’ જેવી સાત ફિલ્મોમાં કામ કરી રહી છે.
જ્યારે આલિયા ભટ્ટ લાંબા સમયથી રણબીર કપૂર સાથે ગમે ત્યારે લગ્ન કરી લે એમ હોવાની વાત ચાલતી હોવા છતાં તેની પાસે મોટા બજેટની અનેક ફિલ્મો છે. તે ગંગુબાઇ કાઠિયાવાડી, RRR સાથે ‘બ્રહ્માસ્ત્ર’ કરી રહી છે. ફિલ્મ ‘RRR’ તેને અચાનક જ મળી ગઇ હતી. એક દિવસ એરપોર્ટ પર તેણે રાજામૌલીને જોયા અને મળીને પોતાની ઓળખાણ આપી ત્યારે તેમણે આલિયાને પોતાની એક ફિલ્મ માટે વિચારવાની ખાતરી આપી હતી. આલિયાને ત્યારે ખબર ન હતી કે એ ફિલ્મ ‘RRR’ હતી. તે અત્યારે ‘ડાર્લિંગ’ અને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી અલગ ફિલ્મો પણ કરી રહી છે. તેની પાસે ફિલ્મો વધુ હોવાથી સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘શેરશાહ’ તે કરી શકી ન હતી. ફિલ્મ રજૂ થયા પછી આલિયાએ તેના સ્થાને કામ કરનાર કિયારા અડવાણીના બહુ વખાણ કર્યા હતા. આલિયાને તેના દમદાર અભિનયને કારણે ફિલ્મો માટે સારી ફી મળી રહી છે. ખબર છે કે સંજય ભણશાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માટે તેને રૂ.૨૦ કરોડ મળ્યા છે.