દિપીકા પાદુકોણ હમણાં ‘પઠાણ’ને કારણે વિવાદમાં છે. જોકે આ વિવાદનું ટાર્ગેટ તો શાહરૂખ ખાન છે. દિપીકાને ચિંતા છે કે જાન્યુઆરીમાં રજૂ થનારી આ ફિલ્મ સમયે રજૂ ન થશે તો નુકશાન થશે. તેને એવી આશા છે કે આદિત્ય ચોપરા જેવા નિર્માતા છે એટલે બહુ હતાશ થવાની જરૂર નથી. અમુક દૃશ્યો બદલાશે ને ફિલ્મ રજૂ થશે. હા, લગ્ન પછી રજૂ થયેલી તેની ફિલ્મ જોઈએ તેવી સફળ નથી રહી. 2018માં લગ્ન થયા ત્યારે ‘પદ્માવત’, સફળ રહેલી પણ ‘છપાક’,‘83’,‘ગહેરાઈમાં’અને ‘બ્રહ્માસ્ત્ર’તેની અપેક્ષા પ્રમાણે સફળ નથી રહી. તે જે ફિલ્મોના કારણે વધુ સફળ રહી તે તો સંજય લીલા ભણશાલીની જ ફિલ્મો છે. ચાહે ‘રામલીલા’હોય, ‘બાજીરાવ મસ્તાની’હોય કે ‘પદ્માવત’. પણ રણવીર સાથે લગ્ન પછી ભણસાલીએ તેને રિપીટ નથી કરી. અગાઉ ઐશ્વર્યા રાય પરણી ગયેલી ત્યારે પણ ભણશાલીનું આ જ વલણ હતું.
શાહરૂખ સાથે તો તેણે કારકિર્દીની શરૂઆત કરેલી અને પછી ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં સરસ કોમેડીય કરેલી. હવે એ જ ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે ‘સિંઘમ-3’માં કામ કરવાની છે. અજય દેવગણ સાથે પહેલીવાર જોડી બનશે. 2023માં રજૂ થનારી ફિલ્મમાં તે ઋતિક રોશન સાથે પણ પહેલીવાર ‘ફાઈટર’માં આવી રહી છે. હવે તે કદાચ ‘છપાક’પ્રકારની ફિલ્મો કરવા નથી માંગતી. મોટા સ્ટાર્સ અને મોટા બેનર તેની પસંદગી બન્યા છે. એટલે જ અભિતાભ સાથે ‘ધ ઈન્ટર્ન’અને ‘પ્રોજેક્ટ કે’માં તે રિશી કપૂર સાથે કામ કરવાની હતી પણ રિશી ન રહેવાથી તેની જગ્યાએ અમિતાભ લેવાયા. ‘પ્રોજેક્ટ કે’માં તો પ્રભાસ અને દલકીર સલમાન જેવા સ્ટાર્સ પણ છે.
દિપીકા જાણી ગઈ છે કે પ્રેક્ષકોની ડિમાંડ સામે ખરા ઊતરવા અમુક પ્રકારની ફિલ્મોથી દૂર રહેવું ને અમુક ફિલ્મો જ સ્વીકારવી. ‘પઠાણ’પણ એ રીતે જ સ્વીકારી છે કારણ કે તે યશરાજ બેનરની છે શાહરૂખની કમબેક ફિલ્મ છે ને તેણે ખૂબ મહેનત કરી છે. હવે તેની સામેનો વિરોધ શમે તો વાત બને. તેણે બીજું એક ખાસ કામ એ કર્યું છે કે રણવીર સીંઘ સાથે એક પણ ફિલ્મ સ્વીકારી નથી. રણવીર સારો અભિનેતા છે પણ એવા પ્રકારની ખાસ ફિલ્મ મળે તો જોડી બનાવેલી કામ લાગે. ‘83’માં તેણે બનાવેલી જોડી કામ ન લાગી. મતલબ એકે તે હવે પોતાને સફળ બનાવવા વિશે ગંભીર બની છે. પ્રેક્ષકોમાં તે આજે પણ આલિયા ભટ્ટ સાથે ટોપ પર જ છે તો તેણે જવાબદારીપૂર્વક જ ફિલ્મો સ્વીકારવી જોઈએ. દિપીકા હવે એમ જ કરી રહી છે. 2023માં જોઈ લેજો. •