નવી દિલ્હીઃ (New Delhi) જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક (Deepfake) વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ હવે ક્રેકિટર સચિન તેંડુલકરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સચિન સાથે પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનાવેલ સચિનના અવાજમાં એક ગેમનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સચિન ગેમને પ્રમોટ કરતો દેખાઈ રહ્યો છે. આમાં તે કહે છે કે તેની દીકરી પણ આ ગેમ રમે છે અને આસાનીથી રૂપિયા કમાઈ રહી છે. આ વાયરલ વીડિયોએ ક્રિકેટરની ઉંઘ હરામ કરી દીધી છે. જોકે સચિને એક્સ પર આ વીડિયો પોસ્ટ કરી તેને સંપૂર્ણપણે નકલી જાહેર કર્યો છે.
સૌથી પહેલા આ વીડિયો ફેક હોવાની માહિતી આપતા સચિને લખ્યું કે આ વીડિયો ફેક છે અને તેમને ફસાવવા માટે બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજીનો આ પ્રકારનો દુરુપયોગ તદ્દન ખોટો છે. તેમણે વીડિયોની જાણ કરવાની પણ અપીલ કરી અને લખ્યું કે તમને બધાને વિનંતી છે કે આવા વીડિયો કે એપ્સ કે જાહેરાત જો તમે તેને જુઓ તો તરત જ તેની જાણ કરો. તેમણે સતર્ક રહેવાની પણ અપીલ કરી અને કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ સાવધાન રહેવું જોઈએ અને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવાવા જોઈએ. આ સંદર્ભમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ખોટી માહિતી અને સમાચારને અટકાવી શકાય અને ડીપફેક્સના દુરુપયોગને સમાપ્ત કરી શકાય.
વીડિયોમાં શું છે?
સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ ગેમિંગ એપ્લિકેશનનું નામ ડીપફેક વિડિયોમાં આપવામાં આવ્યું છે. એવું લાગે છે કે સુપ્રસિદ્ધ ક્રિકેટર આ એપની જાહેરાત કરી રહ્યા છે અને લોકોને પૈસા કમાવવામાં મદદ કરવાની તેની ક્ષમતાની હિમાયત પણ કરી રહ્યો છે. તેંડુલકર જેવા મોટા વ્યક્તિત્વના વિડિયોમાં સ્પષ્ટપણે હેરફેર કરવામાં આવી હોય તેવું લાગે છે. વીડિયોમાં માત્ર તેમના ચહેરાના લક્ષણો જ નહીં પરંતુ તેમને ક્રિકેટર જેવા દેખાડવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર જ્યારે આ વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે ડીપફેકને કારણે સંભવિત નુકસાન ચિંતાજનક છે. તેંડુલકરનો મામલો નવો નથી. આ પહેલા સચિનની પુત્રી સારા તેંડુલકર સહિત અનેક દિગ્ગજ અભિનેત્રીઓ પણ આનો શિકાર બની ચૂકી છે. કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવી સેલિબ્રિટી પણ તેનો શિકાર બની છે.