ક્રિકેટના ટૂંકા ફોર્મેટ T-20માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને કારણે ભારતમાં ક્રિકેટરોની એક એવી આખી ફોજ તૈયાર થઇ ચૂકી છે કે જેઓ વિશ્વના કોઇ પણ ખૂણે જઇને પોતાની બેટીંગ કે બોલીંગ વડે ધમાલ મચાવી શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં કેટલાક ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી શકતા નથી તેની પાછળનું કારણ ક્રિકેટર્સનો આ વધુ પડતો ફાલ જ છે. જો કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે હાલમાં જ એવું નિવેદન કર્યું હતું કે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે હવે દરવાજે ટકોરા મારો તે નહીં ચાલે હવે તો દરવાજો ધમધમી ઊઠે તે રીતે તેને ઠોકવો પડશે.
તેમનો કહેવાનો મતલબ એવો હતો કે તમારા ધમાકેદાર પ્રદર્શન વડે એ દરવાજાને ધમધમાવી મૂકો. રાહુલ દ્રવિડની આ વાત બીજા કોઇએ ગંભીરતાથી લીધી હોય કે નહીં, પણ દીપક હુડાએ તેને ગંભીરતાથી લઇ જ લીધી છે. હાલમાં જ આયરલેન્ડ સામે રમાયેલી બે T-20ની સીરિઝમાં દીપક હુડાએ જે પ્રકારે બેટીંગ કરી છે તે દર્શાવે છે કે આ ખેલાડી લાંબા સમયથી પોતાનો વારો આવવાની રાહ જોતો હતો અને હવે તેને જે તક મળે તે ઝડપી લેવા માટે હુડા તૈયાર છે.
આયરલેન્ડ સામેની બીજી T-20માં જ્યારે ભારતીય કપ્તાન હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું કે ઋતુરાજ ગાયકવાડના સ્થાને ટીમમાં સંજુ સેમસનને લેવામાં આવ્યો છે, ત્યારે પ્રેક્ષકોએ ઉત્સાહથી એ જાહેરાતને વધાવી લીધી હતી. સેમસને તેની પ્રથમ T20 અડધી સદી સાથે જોરદાર આગમન કર્યું પણ આ મેચમાં મહેફિલ તો દીપક હુડાએ જ લૂંટી લીધી. તેણે જે રીતે બાઉન્સી વિકેટ પર શતકીય ઇનિંગ રમી તેને ધ્યાને લેતા એવું કહી શકાય કે ઓસ્ટ્રેલિયામાં રમાનારા આગામી T-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ થવા માટે તેણે દરવાજો ધમધમાવી દીધો છે. ગત રવિવારે રમાયેલી વરસાદથી પ્રભાવિત અને ટૂંકાવી દેવાયેલી પહેલી T-20માં હુડાએ 29 બોલમાં અણનમ 47 રન ફટકારીને ભારતને જીતાડીને પોતાની ક્ષમતાની એક ઝલક બતાવી દીધી હતી. તેના બે દિવસ પછી, હુડાએ સદી ફટકારીને ભારત વતી T-20માં સદી ફટકારવા મામલે સુરેશ રૈના, રોહિત શર્મા અને કે એલ રાહુલ પછી માત્ર ચોથો બેટ્સમેન બનીને પોતાના કૌશલ્યનો વધુ એક પરચો આપ્યો હતો.
બીજી T-20માં પહેલી T-20 જેમ પીચ સીમ અથવા સ્વિંગ ઓફર કરતી ન હતી, પરંતુ બાઉન્સ વધુ ઉગ્ર હતો. ઇશાન કિશન આઉટ થયો પછી અડાયરે હુડા પર એક જોરદાર બાઉન્સર ફેંક્યો હતો, જો કે હુડા જાણે કે પહેલાથી જાણતો હોય તેમ તેણે એ બોલને સ્કવેર લેગ બાઉન્ડરી બહાર છગ્ગા તરીકે મોકલી દીધો હતો. આ મેચમાં જ્યારે પણ આયરલેન્ડના બોલરો દ્વારા ટૂંકા બોલ ફેંકાયા ત્યારે ત્યારે હુડાએ તેમને છગ્ગા અથવા ચોગ્ગા તરીકે બાઉન્ડરી બહાર મોકલ્યા હતા. હુડા 60, 70 અને 80 રન સુધીમાં સડસડાટ દોડ્યો હતો પણ જ્યારે તે પ્રથમ ઇન્ટરનેશનલ સદીની નજીક હતો ત્યારે તે ધીમો પડી ગયો હતો. તેને 91 થી 100 સુધી જવા માટે 10 બોલ લીધા હતા, જે તેની ઇનિંગ્સમાં એકમાત્ર રઘવાટ રહ્યો હતો.
2013માં T 20માં પદાર્પણ કર્યા પછી, હુડાએ તેની આ પળ માટે ખૂબ રાહ જોવી પડી છે. હુડા એક પ્રવાસી પંખી જેવો રહ્યો છે. મૂળે હરિયાણાનો હુડા પિતાની ઇન્ડિયન એરફોર્સની જોબને કારણે દિલ્હી અને બરોડામાં ઉછર્યો છે. હુડા ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં સર્વિસ વતી રમવાનું પસંદ કરી શક્યો હોત પરંતુ તેણે બરોડાને પોતાનું ઘર બનાવવાનું પસંદ કર્યું હતું. 2021-22 ની ભારતીય ડોમેસ્ટિક સીઝન પહેલા, કૃણાલ પંડ્યા સાથે ઝઘડો થયા પછી હુડા રાજસ્થાન ગયો હતો.
IPLમાં, તે મોટાભાગે મધ્યમ ક્રમના બેટર તરીકે રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ રહ્યો છે. સુપર જાયન્ટ્સ સાથેના તેના સૌથી તાજેતરના કાર્યકાળ દરમિયાન હુડાએ બતાવ્યું કે તેની પાસે ટોચના ક્રમમાં પણ બેટિંગ કરવાનું પણ કૌવત છે. હૂડાએ IPL 2022માં નંબર 3 પર ચાર વખત બેટિંગ કરી, 38.50ની એવરેજ અને માત્ર 134ની સ્ટ્રાઈક રેટથી 154 રન બનાવ્યા. હુડાએ બીજી T20I માં તેની પ્રતિષ્ઠા વધારી અને જો કે તેણે તેની છેલ્લી 15 T20 માં બોલિંગ કરી નથી, તેમ છતાં તેની ઝડપી ઓફસ્પિન ડાબા હાથની ભારે બેટિંગ લાઇન-અપ્સ સામે ચોક્કસપણે એક વિકલ્પ છે.