સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં (Saputara) ઈકો પોઈંટ ખાતે દીપડો (leopard) કૂતરાનો શિકાર કરતા કેમેરામાં કેદ થતા ફરવા આવતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
- સાપુતારાનાં ઈકો પોઈંટ ખાતે દીપડાએ કૂતરાનો શિકાર કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ
- બે દિવસ પહેલા પણ સાપુતારામાં પાલતુ શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી દીપડાની લટાર વધી ગઈ છે. બે દિવસ પૂર્વે ગિરિમથક સાપુતારાનાં સાંઈ લીલા બંગલોનાં પાર્કિંગ શેડમાં સાંકળથી બાંધેલા શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો. પાળતુ શ્વાને પોતાનો જીવ બચાવવા માટે દીપડા પર વળતો પ્રહાર કરતા આખરે દીપડો પલાયન થઈ ગયો હતો. તેવામાં શનિવારે મોડી સાંજે દીપડાએ ઈકો પોઈંટ ખાતે રખડતા શ્વાનનો શિકાર કર્યો હતો. ઈકો પોઈંટ ખાતેનાં ડુંગરાળ ઝાડી ઝાંખરામાં દીપડાએ શ્વાન પર ઘાત લગાવી મારણ કરતા લોકોએ ભારે બુમાબૂમ મચાવી હતી. દૂરથી લોકોએ દીપડાને શ્વાનનું મારણ કરતાનાં દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરતા ફરવા આવેલા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રવિવારે પણ સવારે આ ખુંખાર દીપડો સ્થાનિક લારી ગલ્લા વાળાને જૈનમંદિરથી નીચે જંગલ વિસ્તારમાં લટાર મારતો દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં વિકેન્ડ હોય જેથી ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યુ છે. પ્રવાસીઓ વહેલી સવારે અને મોડી રાત્રે પણ એકલા વોકિંગમાં નીકળે છે. તેવામાં એક તરફ પ્રવાસીઓ વિકેન્ડ માણી રહ્યા છે. તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી ખુંખાર દીપડો પણ વિકેન્ડ માણવા નીકળી આવતા ફરવા આવેલા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં દક્ષિણ વન વિભાગ હસ્તકનાં શામગહાન રેંજ વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.
ગીર જંગલ નજીક ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર ભરબપોરે સિંહ કપલ ફરવા નીકળ્યા
ગીર સોમનાથ: ગીરના (Gir) જંગલની બોર્ડરની નજીક એક ગામના રસ્તા પર સિંહ (Loin) અને સિંહણ (Lioness) ભરબપોરે લટાર મારતાં જોવા મળ્યા હતા. જ્યાં રોડ પરથી પસાર થતા લોકોને આ અદભુત નજારો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં સિંહ અને સિંહણનો સાથે લટાર મારતા હોય તેવો દુર્લભ નજારો કેદ કરી લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભરબપોરે સિંહ-સિંહણ ફરવા નીકળ્યા
ગીરનાં જંગલ નજીકના ગ્રામ્યવિસ્તાર પાસે રોડ પર ભરબપોરે સિંહ અને સિંહણ સાથે જોવા મળતાં રોડ પરથી પસાર થતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેમને જોઈને વાહનોના પૈડા પણ થંભી ગયા હતા. નોંધનીય છે કે અસંખ્ય ગરમી અને ઉકાળતાના કારણે વન્યપ્રાણી જંગલોમાંથી બહાર ગ્રામ્ય વિસ્તારો તરફ આવી પહોંચે છે. ત્યારે વધુ એક વખત સિંહ કપલ ગ્રામ્ય વિસ્તારના કોઈ રસ્તા ઉપર આંટાફેરા કરતા જોવા મળ્યા છે. જેનો વીડિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળતા મુજબ ભરબપોરે અચાનક જ સિંહ-સિંહણ રસ્તા ઉપર ચડી આવ્યા હતા.