ડેડીયાપાડા: ધો. 10 બોર્ડની પરીક્ષા દરમિયાન ડેડીયાપાડાની એક સ્કૂલમાં ચિંતા ઉપજાવનારી ઘટના બની હતી. અહીં એક વિદ્યાર્થીનીને ચાલુ પરીક્ષાએ ચક્કર આવતા તે બેહોશ થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીની તબિયત બગડતા પરીક્ષા કેન્દ્રમાં દોડધામ મચી ગઈ હતી અન્ય પરીક્ષાર્થી પણ ગભરાઈ ગયા હતા. જોકે, તાત્કાલિક મેડીકલ ટીમે પહોંચી જઈ વિદ્યાર્થીનીને ઝડપથી હોંશમાં લાવી તેને ગ્લૂકોઝની બોટલ ચઢાવી હતી. વિદ્યાર્થીની પરીક્ષા આપી શકે તેવી સ્થિતિમાં નહોતી તેમ છતાં તેણીએ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો અને ગ્લુકોઝની બોટલ સાથે અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી.
- ધોરણ ૧૦ની પરિક્ષાર્થી સ્વાતી ખેરનારે તબિયત બગડતા ચાલુ બોટલે અંગ્રેજી વિષયની પરીક્ષા આપી
- ગ્લુકોઝનો બોટલ ચાલુ વિદ્યાર્થીની ચઢાવીને પરીક્ષા આપવાનો ચીલો ચાતર્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૩માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તા.૨૫મી માર્ચે શનિવારના રોજ પરીક્ષા દરમિયાન સેલંબા હાઈસ્કુલના કેન્દ્ર ખાતે ધોરણ-૧૦માંની અંગ્રેજી વિષયની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની ખેરનાર સ્વાતિબેન નરેન્દ્રભાઈ ઘરેથી નીકળી ત્યારે સારૂં પેપર જાય એવી અપેક્ષા હતી. જો કે સ્વાતી ખેરનાર જયારે પેપર આપવા બેઠી એ વખતે જ અચાનક તબિયત બગડતા ચક્કર સાથે અચાનક બેહોશ થઈ ગઈ હતી.
વિદ્યાર્થીનીને તબિયત બગડતા તાબડતોબ સ્થળ સંચાલક દ્વારા મેડિકલની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીને ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ફરજ પડી હતી.પરીક્ષાનો સમય જતો હોવાથી હિંમતથી સ્વાતી ખેરનારે ચાલુ બોટલે અંગ્રેજીની પરીક્ષા આપીને મોકળાશ અનુભવી હતી.
નર્મદા જિલ્લામાં ધો. 10 અંગ્રેજીની પરીક્ષામાં 224 વિદ્યાર્થી ગેરહાજર
રાજપીપળા: ધોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહી છે. શનિવારે ધોરણ-૧૦ના અંગ્રેજી વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૭૪૭૩ વિદ્યાર્થી પૈકી ૭૨૪૯ની હાજરી અને ૨૨૪ વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઇ હતી. બપોરે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં હિન્દી વિષયમાં નોંધાયેલા ૨૯૦૭ પૈકી ૨૮૫૧ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર અને ૫૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત વિષયમાં નોંધાયેલા કુલ ૪૮૨ વિદ્યાર્થી પૈકી ૪૭૫ વિદ્યાર્થી હાજર અને ૭ ગેરહાજર રહ્યા હતા. તો કમ્પ્યુટરના વિષયમાં નોંધાયેલા ૪૯૨ વિદ્યાર્થી પૈકી ૪૮૯ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને ૩ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.