Comments

ઘટત ઘટત જાય

નીના બહેનના પતિને બિઝનેસમાં બહુ નુકસાન થયું.તેઓની બધી મિલકત પણ વેચાઈ ગઈ, ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું.અને હવે નીનાબહેન અને તેમના પતિ નીમેશભાઈ એકદમ ચિંતામાં રહેવા લાગ્યા.મોઢા પરની બધી રોનક ઉડી ગઈ.થોડા દિવસો બાદ નિમેશભાઈની તબિયત પણ ખરાબ રહેવા લાગી તેમણે લગભગ ખાટલો પકડી લીધો.નીનાબહેન પોતાની થોડી બચત અને ત્યારબાદ જે થોડું સ્ત્રીધન બચ્યું હતું તે વેચીને ઘરનું ગાડું ગબડાવતા હતા.

થોડા દિવસ પછી અચાનક નિમેશભાઈનો મિત્ર દેવાંગ તેમને શોધતો શોધતો મળવા આવ્યો. નીમેશભાઈ અચાનક મિત્રને જોઈ રાજી થયા પણ પછી વિચારવા લાગ્યા કે મારા આવા હાલ છે દોસ્ત સામે મારું ખરાબ લાગશે.દેવાંગભાઈ બોલ્યા, ‘દોસ્ત મને થોડા દિવસ પહેલા જ ખબર પડી કે તને બિઝનેસમાં મોટું નુકસાન થયું ..માંડ માંડ તારી ખબર અને આ ભાડાના ઘરનું એડ્રેસ મળ્યું.દોસ્ત આ શું હાલ કર્યા છે.બિઝનેસમાં નુકસાન ગયું પણ જીવન થોડું પૂરું થયું છે.’

નીમેશભાઈ ધીમા અવાજે બોલ્યા, ‘હવે હિંમત જ તૂટી ગઈ છે, તબિયત સારી રહેતી નથી અને સતત આગળ શું થશે તેની ચિંતા સતાવે છે.’દેવાંગભાઈ બોલ્યા, ‘દોસ્ત, કબીરજીએ લખ્યું છે … ‘ચિંતા સે ચતુરાઈ ઘટે …દુઃખ સે ઘટે શરીર …લોભ સે ધન ઘટે …કહ ગયે દાસ કબીર’દોસ્ત આ દુહો તારે બરાબર સમજવાની જરૂર છે.તે વધુ પૈસા મેળવવાનો લોભ કર્યો …ખોટો સોદો કર્યો એમાં વધુ પૈસા મળવાને બદલે નુકસાન થયું અને તારું જે હતું તે પણ બધું જ તે ગુમાવી દીધું.તને સબક તો મળ્યો.પણ હવે એ પણ સમજ કે તું સતત તે બધું ગુમાવી દીધું …તારી પાસે કઈ જ બચ્યું નથી તેના દુઃખ માં રહે છે એટલે તારા શરીરને પણ નુકસાન થઇ રહ્યું છે તારી તબિયત ખરાબ થઈ રહી છે.દોસ્ત આવી તબિયત હશે તો તું આ પરિસ્થિતિમાં આગળ રસ્તો કઈ રીતે કાઢીશ?? હવે દુઃખને ભૂલી જા, આગળ વધવાની કોશિશ કર.’

નિમેશભાઈ બોલ્યા, ‘આગળ શું કરવું તેની જ તો ચિંતા છે …કઈ બચ્યું નથી અને નવો બીઝનેસ શરુ કરવાની મૂડી પણ નથી ,હિંમત પણ થતી નથી.’દેવાંગભાઈ બોલ્યા, ‘દોસ્ત , ચિંતા છોડ …ચિંતા સે ચતુરાઈ ઘટે….તું સતત ચિંતા કરીશ તો તેમાં જ ડૂબેલો અને ડરેલો રહીશ …તો આગળ કોઈ માર્ગ દેખાશે નહિ.બધું ઘટતું જ જશે અને તકલીફો વધશે માટે શું કરવું છે તે નક્કી કરવા પહેલા ચિંતા છોડ અને મનને શાંત કર પછી ચોક્કસ તને કોઈ માર્ગ દેખાશે.તે મને મારી તકલીફમાં મદદ કરી હતી અને આજે હું તારી સાથે છું. ચિંતા છોડ ,દુઃખ ભૂલી જા અને કૈંક વિચાર ચોક્કસ માર્ગ મળશે.’નીમેશભાઈ ઘણા વખતે નીનાબહેન સામે જોઇને હસ્યા અને દેવાન્ગ્ભૈને ઉભા થઈને ભેટી પડ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top