સુરત: (Surat) શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ હળવું થયું છે અને કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ખૂબ જ ઝડપથી બહાર નીકળી રહ્યું છે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, 14 મી એપ્રિલે શહેરમાં કોરોનાનો પીક સમય હતો. પરંતુ હવે તેમાંથી ખૂબ જ ઝડપથી બહાર નીકળ્યા છીએ અને પોઝિટિવિટી રેટ પણ ઘટીને (Decreased positivity rate) 3 ટકા પર આવી ગયો છે. શહેરીજનોએ હજી પણ સાવચેતી રાખવાની જરૂર છે.
કોરોનાની બીજી લહેર સાથે ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ આખરે તંત્રને હવે તેમાં સફળતા પ્રાપ્ત થઈ છે. એપ્રિલ માસમાં કોરોનાનો આતંક ખૂબ જ વધારે હતો. પરંતુ હવે તેમાં ઘટાડો થતાં જ તંત્રએ પણ જાણે રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવિટી રેટ 18થી 20 ટકા હતો. જે હવે ઘટીને 3 ટકા પર આવી ગયો છે. તેમજ 108 પર પ્રતિદિન 250થી 300 ટ્રીપ હતી. જે પણ ઘટીને 100થી ઓછી માત્ર 95 થઈ છે. 104માં જે 200 કોલ આવતા હતા તે હવે ઘટીને 32 થઈ ગયા છે. તેમજ હાલમાં સિવિલ અને સ્મીમેરમાં બેડ ઓક્યુપન્સી માત્ર 25 જ ટકા છે. તેમજ ખાનગી અને સરકારી હોસ્પિટલો મળી ઓક્સીજનના 47 ટકા બેડ હાલમાં ખાલી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
ધન્વંતરી, સર્વેલન્સ, સંજીવની રથ, કોમ્બિંગ સ્ટ્રેટજીની બીજી લહેરને નાથવા માટે ઉપયોગી સાબિત થયા
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં જે રીતે સર્વેલન્સની કામગીરી થઈ, ધન્વંતરી રથથી પણ કેસ ડિટેક્ટ કરાયા, સંજીવની રથથી ઘરે ઘરે જઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમજ કોમ્બિંગ ઓપરેશનથી પણ બીજી લહેરને નાથવામાં ઘણા અંશે સફળતા મળી છે. તેમજ શહેરમાં ‘‘‘3-ટી’’ એપ્રોચ (ટ્રેકિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ) પર ફોકસ કરવામાં આવ્યું હતું. તેમજ વેસુના સેન્ટ્રલ વોર રૂમ અને તમામ ઝોનના વિવિધ વોર રૂમથી તમામ હોમ આઈસોલેટ પર પણ વોચ કરવામાં આવે છે. ઝોનવાઈઝ 25થી 30 જેટલા સંજીવની રથ ફરતા હતા અને જે દિવસના 4થી 5 હજાર જેટલા લોકોને ઘરે જઈને ટ્રીટમેન્ટ આપતા હતા, જેમાં વધુ તકલીફવાળાને હોસ્પિટલમાં મોકલવામાં આવતા હતા.
ઓક્સીજન, વેન્ટિલેટર વધારાયાં, ટેસ્ટિંગ પણ વધારે કરાયાં
શહેરમાં બીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તાબડતોબ તમામ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હતો. શહેરમાં 271 વેન્ટિલેટર હતાં, જે વધારીને મનપાએ 1200 કર્યાં હતાં. તેમજ ઓક્સીજન બેડની સંખ્યા શહેરમાં કુલ 1600 હતી, જે વધારીને 5600 કરવામાં આવી હતી. હાલમાં શહેરમાં 47 ટકા ઓક્સીજન બેડ ખાલી છે. તેમજ મનપા દ્વારા ટેસ્ટિંગમાં પણ સઘન વધારો કરાયો હતો. પહેલા પ્રતિદિન 15,000 ટેસ્ટિંગ થતાં હતાં. જે વધારીને 30 હજાર કરાયાં હતા.
ત્રીજી લહેર માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ છે
મનપા કમિશનર તેમજ કોરોના નોડલ ઓફિસરે સત્તાવાર જાહેરાત કરી જણાવ્યું હતું કે, સુરત શહેર પીકમાંથી બહાર નીકળી આવ્યું છે. પરંતુ ત્રીજી લહેર માટેની તૈયારીઓ પણ કરી દેવાઈ છે. ઓક્સીજન મેનેજમેન્ટ, સર્વેલન્સ મેનેજમેન્ટ, બેક અપ પ્લાનિંગ સાથે ચાલી રહ્યાં છે. હાલમાં ઓક્સીજનના બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પી.એસ.એ.(પ્રેશર સ્વિંગ એડસોર્પશન-‘‘હવામાંથી સીધા ઓક્સીજન છૂટો પાડતો પ્લાન્ટ’’) સિવિલમાં 3 મે.ટન, સ્મીમેરમાં 1.5 મે.ટન અને રૂરલ હોસ્પિટલોમાં 2 મે.ટન રાખવામાં આવ્યા છે. તેમજ આ પ્રકારના પ્લાન્ટ પાલ, બમરોલીમાં પણ મુકાશે. જેથી ભવિષ્યમાં તે કામ આવી શકે. સાથે જ વધુ ને વધુ હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે. ઓક્સીજન માટે હાલમાં જામનગર, ઝઘડિયા અને એનએક્સથી વ્યવસ્થા કરવામાં આવી જ છે. તેમજ ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોય, પિડિયાટ્રીક સોલ્યુશન વિચારી રખાયાં છે અને તેમની સાવચેતી માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરી દેવાઈ છે. આઈ.સી.યુ. બેડ મોનિટરિંગ સિસ્ટમ, સર્વેલન્સ ટીમો, સ્ટાફ પણ વધુ થાય તે તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવી છે.
મનપાએ જીનોમ સિકવન્સિંગથી નવા સ્ટ્રેઇન અને મ્યુટેન્ટ વિશે જાણકારી મેળવી
શહેરમાં હવે કોરોનાની બીજી લહેરમાંથી તો હેમખેમ બહાર નીકળી ગયા છે. પરંતુ તે માટે મનપાએ શરૂઆતથી જ જીનોમ સિકવન્સિંગ થકી આ વિશે માહિતી મેળવી હતી. શહેરમાં યુકેના 6 અને સાઉથ આફ્રિકાનાં 2 સ્ટ્રેઇન મળી આવવાની જાણકારી સૌપ્રથમ સુરત મનપા દ્વારા જ જીબીઆરસી (ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર) અને એનઆઈ.વી. (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી)ને આપી હતી. અને હવે ત્રીજી લહેરના નવા મ્યુટેન્ટ માટે પણ મનપા દ્વારા હાલમાં બહારથી શહેરમાં આવનારા તમામ આરટીપીસીઆર સેમ્પલ અહીં મોકલવામાં આવી રહ્યાં છે. જેથી ઝડપથી નવા સ્ટ્રેઇનની માહિતી મળી શકે. સાથે સાથે નવા સ્ટ્રેઇન અંગે વધુ માહિતી માટે મનપા યુ.એસ. યુનિવર્સિટી સાથે પણ સતત સંપર્કમાં છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
વાલક ચેકપોસ્ટ પરથી જ 2000 કેસ મળી આવ્યા હતા
મનપા દ્વારા તમામ ચેકપોસ્ટ પર પણ સઘન ચેકિંગ કરાયું હતું. જેમાં માત્ર વાલક ચેકપોસ્ટથી જ મનપાને 2000 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. તેમજ મનપા દ્વારા હાલમાં પણ સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં અન્ય રાજ્યના પણ ઘણા લોકો રહેતા હોય, અહીં કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરમાં ઘણા લોકો જલદીથી સાજા થયા હતા. તેમજ મનપા દ્વારા રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવનારા પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાતાં તેમાંથી 12 ટકા કેસ મળ્યા હતા.
શહેરીજનો કાપડના માસ્ક કરતાં ટ્રીપલ લેયર માસ્ક પહેરે તો વધુ સારું
શહેરીજનોને નવા સ્ટ્રેઇન સામે રક્ષણ લેવા માટે મનપા કમિશનરે શહેરીજનોને અપીલ કરી હતી કે, કાપડના માસ્ક પહેરવા કરતાં ટ્રીપલ લેયર માસ્ક વધુ સારી રીતે રક્ષણ આપી શકે તેમ છે. જેથી લોકો ટ્રીપલ લેયર કાં તો ડબલ માસ્ક પહેરે એ વધુ જરૂરી છે.