Editorial

ચૂંટણીપંચની કોન્ફરન્સમાં સરળતા અને પારદર્શિતાના નિર્ણયો કરાશે તો જ લેખે લાગશે

તમામ મતદારોની તપાસ એટલે કે SIR બાદ કેન્દ્ર સરકારે વધુ એક વિવાદનો મધપુડો છંછેડવો શરૂ કર્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં માસ્ટર પ્લાન બનાવવાના નામે કેન્દ્ર સરકારે લોકસભાથી શરૂ કરીને છેક પંચાયતો સુધીની ચૂંટણીઓમાં એકરાગિતા આવે તે માટે નેશનલ એસઈસી કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આગામી તા.24મીએ દિલ્હીમાં દેશભરના 36 રાજ્યોના ચૂંટણી કમિશનરો અને ટેકનિકલ તેમજ કાનૂની નિષ્ણાતો દ્વારા મંથન કરવામાં આવશે. જેમાં મતદાર યાદી અને પ્રક્રિયાઓને એકસમાન બનાવવા પર ચર્ચાઓ કરવામાં આવશે. અત્યાર સુધી દેશમાં એવું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કેન્દ્રીય ચૂંટણી પંચ કરાવે છે. જ્યારે મહાનગર પાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

આ બેઠકમાં આ બંને વ્યવસ્થાઓને પારદર્શક બનાવવા માટેનો રોડમેપ નક્કી કરવામાં આવશે. ભૂતકાળમાં 27 વર્ષ પહેલા આવી કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેમાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આ કોન્ફરન્સ જરૂરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અલગ અલગ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવતી હોવાથી મતદાર યાદી અને પ્રક્રિયામાં વિસંગતતા જોવા મળે છે. આ વિસંગતતા દૂર કરવા માટે તેમજ બંને સ્તરે ચૂંટણી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાની જરૂરીયાત છે.

ઉપરાંત બંને ચૂંટણીપંચ વચ્ચે તાલમેલ કરવા માટે પણ આ બેઠકમાં કવાયત કરવામાં આવશે. 1999માં અગાઉ થયેલી આજ પ્રકારની કોન્ફરન્સમાં અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સનું અધ્યક્ષપદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સંભાળશે. તેમની સાથે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી પણ હાજર રહેશે. અનેક રાજ્યોના ચૂંટણી કમિશનરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને મળીને રાષ્ટ્રીય પરિષદ યોજવા માટે સૂચન કરાયું હતું. તેને પગલે આ પરિષદ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નેશનલ કોન્ફરન્સ મતદારો માટે હકારાત્મક બને તેવી જરૂરીયાત છે.

હાલમાં દેશમાં SIRના નામે અનેક વિવાદો ચાલી રહ્યા છે. ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મતદારો પોતાને સાબિત કરવા માટે મથામણ કરી રહ્યા છે. પુરાવાઓ આપવા છતાં પણ તેમના નામો અગાઉની SIRની યાદીમાં નહીં હોવાનો મુદ્દો ઉપસ્થિત કરીને મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ એ જ મતદારો છે કે જેમણે અગાઉની ચૂંટણીઓમાં મતદાન કર્યું જ છે. આ નેશનલ કોન્ફરન્સમાં આ મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. આ નેશનલ કોન્ફરન્સ 27 વર્ષ બાદ થઈ રહી છે પરંતુ હવે આ કોન્ફરન્સ સમયાંતરે યોજવા માટેના આયોજનો પણ કરવા જોઈએ. જેથી ચૂંટણીની પ્રક્રિયા તેમજ મતદાર યાદી બનાવવામાં પડતી મુશ્કેલીઓની ચર્ચા સાથે તેનું નિરાકરણ આવી શકે.

લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણીમાં પારદર્શિતા ખૂબ જ જરૂરી છે. હાલમાં એવો માહોલ છે કે ચૂંટણીપંચની કામગીરી પ્રત્યે શંકાઓ ઊભી થઈ રહી છે. આ સંજોગોમાં ચૂંટણીપંચ દ્વારા નિષ્પક્ષ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. જો આ કોન્ફરન્સમાં મતદારોથી માંડીને એકપણ રાજકારણીને ચૂંટણી પંચ પ્રત્યે સંદેહ નહીં રહે તેવા આયોજનો કરવામાં આવશે તો જ કોન્ફરન્સ લેખે લાગશે તે નક્કી છે.

Most Popular

To Top