કોરોના દરમ્યાન અનેકની હાલત બગડી ગઈ હતી એટલે હવે પોતાની ફિલ્મ રજૂ થાય તો જાણે નવી ઈનિંગ શરૂ થતી હોય તેવું બધા અનુભવે છે. સારા અલીખાન અત્યારે ‘અતરંગી રે’ માટે ખૂબ ઉત્સાહમાં છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તે રજૂ થવાની છે અને અક્ષયકુમાર તેનો હીરો છે. તેને આ ફિલ્મ પાસે મોટી આશા એટલા માટે પણ છે કે તેમાં પ્રણય ત્રિકોણ છે. આવી ફિલ્મો પ્રેક્ષકોને હંમેશા ગમી છે. બીજી ખાસ વાત એ પણ કહી શકાય કે ‘તનુ વેડ્સ મનું’, ‘રાંઝણા’ નાં દિગ્દર્શક આનંદ એલ. રાયની આ ફિલ્મ છે. અક્ષય તો છે સાથે ધનુષ છે.
સારા અલી ખાન સારી ફિલ્મો મેળવવા બાબતે નસીબદાર રહી છે. ‘કેદારનાથ’ માં તે સુશાંતસિંહ સાથે અને ‘સિમ્બા’માં રણવીરસીંઘ સાથે હતી અને દિગ્દર્શક રોહિત શેટ્ટી હતો. ગયા વર્ષે ‘લવ આજકલ’ આવી હતી. જેનો દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી હતો ને સારા સાથે કાર્તિક આર્યન હતો. ‘કુલી નં. 1’ માં તે વરુણ ધવન સાથે હતી. તેનો આત્મવિશ્વાસ આ બધી ફિલ્મોને કારણે વધી ગયો છે. સારાની પસંદગી કમર્શીયલ ફિલ્મો છે અને તેમાં તે બહુ પ્રયોગ કરવા નથી માંગતી. પોપ્યુલર ફિલ્મો જ લાંબી કારકિર્દી બનાવી શકે એવું તે માને છે અને મા અમૃતાસીંઘ તેની મુખ્ય સલાહકાર છે. અત્યારે તે વિકી કૌશલ સાથે ‘ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’ માં કામ કરી રહી છે.
સારો વિષય ધરાવતી ફિલ્મો તેને વધુ સારી અભિનેત્રી બનવાની તક આપે છે. સારા પોતાની કારકિર્દી આગળ વધારવામાં ભાઈ સૈફ અલી ખાનની મદદ નથી લેતી કે પટૌડી ટાગોરનું નામ પણ વટાવતી નથી. કોલંબીયા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલી સારા પોતાને યોગ્ય રીતે મેનેજ કરી લે છે. અક્ષયકુમાર સાથે તેની પહેલી જ ફિલ્મ છે ને અક્ષય તેની સફળતા માટે જાણીતો છે. સારાએ દરેક વખતે નવા હીરો સાથે કામ કર્યું છે ને તેથી કહી શકે કે કોઈ એક સ્ટાર ફેવરિટ નથી, તે પોતાની કારકિર્દી ડેવલપ કરી રહી છે.
સારા અલી ખાન મહત્વાકાંક્ષી જરૂર છે પણ ખોટી ઊતાવળમાં ય માનતી નથી. ‘કેદારનાથ’ વખતે તે સુશાંતસિંહ તરફ આકર્ષાયેલી પણ હવે થાય છે કે તે યોગ્ય ન હતું. નવો કોઈ સંબંધ માટે તૈયાર થતાં તે ઘણું વિચારે છે. ફિલ્મ જગત બહુ ટ્રિકી છે તે સમજી ચુકી છે પણ સફળતા જ ઢાલ બની શકે એવું સમજે છે. એ માટે જ તે દરેક ફિલ્મે પૂરી તાકાત લગાડી દે છે. ‘અતરંગી રે’ સફળ જશે તો તે એ માટે ય ખુશ થશે કે 12મી ઓગસ્ટે તેનો બર્થ ડે છે !