Dakshin Gujarat

વાપીના યુવકે ઇયરફોનને કારણે રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા જીવ ખોયો

વાપી : વાપીના (Vapi) ગીતાનગર વિસ્તારમાંથી વાપી ટાઉન તરફ જવા માટે રેલવે લાઈન (Railway Line) ક્રોસ (Cross) કરતા યુવકનું ટ્રેનના (Train) એન્જિનની ટક્કર લાગતા સ્થળ પર જ મોત (Death) નીપજ્યું હતું. વાપી સ્ટેશન નજીક આ બનાવ બન્યો ત્યારે યુવક તેના કાનમાં ઇયરફોન નાંખીને મોબાઈલ પર વાત કરતા કે પછી કોઈ ગીત સાંભળતા રેલવે ટ્રેક ક્રોસ કરતો હોવાથી એન્જિનના ડ્રાઈવરે હોર્ન વગાડી યુવકને ચેતવ્યો હોવા છતાં ઇયરફોનના કારણે યુવકનું ક્રેન એન્જિનની ટક્કરથી મોત નીપજ્યું હતું.

વાપીમાં ગીતાનગર તરફ નટુભાઈની ચાલમાં રહેતા દરજીકામ કરતા મૂળ બિહારના વિનયકુમાર સીંગનો પુત્ર વિવેક વાપી ટ્યૂશને જવા માટે નીકળ્યો હતો. ગીતાનગર તરફથી વાપી ટાઉન તરફ રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે વિવેકે કાનમાં ઇયરફોન નાંખ્યા હતા. તે મોબાઈલ પર વાત કરતો હતો કે પછી ગીત કે કંઈ સાંભળતો હતો. તે જ વખતે વાપી સ્ટેશન નજીક એક ટ્રેક પર એન્જિન આવતા એન્જિનના ડ્રાઈવરે હોર્ન વગાડીને વિવેકને ટ્રેક પરથી હટી જવા માટે ચેતવ્યો હતો. પરંતુ તેના કાનમાં ઈયરફોન હોવાથી તેને આ સંભળાયું નહીં હશે. તેના કારણે એન્જિનની ટક્કર વાગતા સ્થળ પર જ વિવેક સીંગનું મોત નીપજ્યું હતું. વાપી રેલવે પોલીસે મરનારના પિતા વિનયકુમાર સીંગની ફરિયાદને આધારે એડી નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

યુવકના મોતથી યુવા પેઢીએ બોધપાઠ લેવાની જરૂર
વાપીમાં આશાસ્પદ યુવકના અકસ્માતમાં મોતથી તેના પરિવાર ઉપર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરંતુ આ બનાવથી આજની યુવા પેઢીએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. કાનમાં ઇયરફોન નાંખીને રસ્તા પર કે રેલવે ટ્રેકને ક્રોસ કરવાથી વિવેકની જેમ જીવ ગુમાવવો પડે છે. રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે તો ફૂટ બ્રિજનો જ ઉપયોગ કરવો જોઈએ. વાપી રેલવે સ્ટેશન પાસે જે બ્રિજ છે તેના થકી વાપી ટાઉનથી ગીતાનગર તરફ આવી શકાય છે.

Most Popular

To Top