અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં મૃત્યુઆંક 1411 થયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 3250 થી વધુ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એપી અનુસાર તાલિબાને આ માહિતી આપી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે વિશ્વભરમાંથી મદદ માંગી છે. આ પછી ભારતે મદદ માટે કાબુલમાં 1000 તંબુ મોકલ્યા છે. ઉપરાંત કાબુલથી કુનારમાં 15 ટન ખાદ્ય પદાર્થો મોકલવામાં આવ્યા હતા.
દરમિયાન મંગળવારે અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ છે. ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, સ્થાનિક સમય મુજબ મંગળવારે સાંજે 5:59 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં 34.55 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 70.68 ડિગ્રી પૂર્વ રેખાંશ પર, પૃથ્વીની સપાટીથી લગભગ 130 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં જલાલાબાદ નજીક ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ સમયે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેઓ ઇમારતોના કાટમાળ નીચે દટાઈ ગયા. વિદેશ પ્રધાન એસ જયશંકરે X પર લખ્યું હતું કે ભારત રાહત સામગ્રી મોકલવાનું ચાલુ રાખશે. ૨૦૨૧ માં તાલિબાન સરકારની રચના પછી આંતરરાષ્ટ્રીય સંગઠનોએ અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય બંધ કરી દીધી હતી.
અફઘાનિસ્તાનની અપીલ પછી ભારત ઉપરાંત ચીન અને બ્રિટન જેવા દેશોએ પણ મદદ મોકલી છે. બ્રિટને ભૂકંપથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે 1 મિલિયન પાઉન્ડ (10 કરોડ) ના કટોકટી ભંડોળની જાહેરાત કરી છે. ચીને કહ્યું કે તે અફઘાનિસ્તાનને તેની જરૂરિયાતો અને ક્ષમતા અનુસાર મદદ કરશે.
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપ 2 લાખની વસ્તી ધરાવતા જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર નાંગરહાર પ્રાંતમાં આવ્યો હતો. જ્યાં ઘણા ગામડાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ વિસ્તાર રાજધાની કાબુલથી 150 કિમી દૂર છે. આ એક પર્વતીય વિસ્તાર છે. જેને ભૂકંપ માટે રેડ ઝોન માનવામાં આવે છે. જ્યાં મદદ પહોંચાડવી પણ મુશ્કેલ છે.
અહેવાલ મુજબ મોટાભાગના મૃત્યુ પડોશી કુનાર પ્રાંતમાં થયા છે. સોમવારે અહીં 4.6 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. અલ જઝીરાના અહેવાલ મુજબ ભૂકંપના આંચકા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં પણ અનુભવાયા હતા. ભારતના ગુરુગ્રામમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા.