સુરત: વેસુના સુમન આવાસ બિલ્ડિંગના ચોથા માળેથી જીઈબીના હાય ટેન્શન વીજ વાયર પર પટકાયા બાદ જમીન પર પડેલા વિદ્યાર્થીનું 12 કલાકની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે એકનો એક દીકરો હતો. ધોરણ-12માં અભ્યાસ કરતો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
પરિવારે કહ્યું હતું કે ઘટના મંગળવાર ની બપોરની હતી. હર્ષ પરેશ પરમાર (ઉં.વ. 17) ઘરની ચોથા માળે આવેલી ગેલેરીમાંથી નીચે પટકાયા બાદ હાય ટેનશન લાઈન ના વીજ વાયર પર પડ્યો હતો. ઝોલા ખાધા બાદ વીજ વાયર તૂટી જતા નીચે પડ્યો હતો. તાત્કાલિક હર્ષને નજીકની હોસ્પિટલ માં લઇ જવાયો હતો. જ્યાં 12 કલાકની સારવાર બાદ હર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. હર્ષ પરિવારમાં એક નો એક દીકરો અને એકની એક બહેન નો ભાઈ હતો. ઘટના ને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં છે.
વધુમાં જણાવ્યું હતું કે હર્ષના પિતા સુરત મહાનગર પાલિકામાં કાયમી કર્મચારી છે. ગાડી ઉપર ક્લીનર તરીકે કામ કરે છે. મૂળ સૌરાષ્ટ્રના વતની છે. હર્ષ ધોરણ-12 નો વિદ્યાર્થી છે. ઘટના બાદ સોસાયટીમાં બુમાબુમ થઈ જતા જાણ થઈ હતી. વેસુ પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોટાવરાછાની પરિણીતાનું રહસ્યમય મોત
સુરત: મોટા વરાછામાં પરિણીતાનું ગળામાં દુખાવો થવા સાથે રહસ્યમય મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું. ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રના વતની નેન્સી મિલન નાવડીયા (24 વર્ષ), મોટાવરાછા વિસ્તારની ભક્તિનંદન સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી.
નેન્સીનો પતિ મિલન રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થાય છે. નેન્સીને એક મહિનાથી ગળામાં દુખાવો થતો હતો. જેથી નેન્સી સોમવારે ઘરની પાસેના ખાનગી દવાખાનામાંથી દવા લઈને આવી હતી. ત્યારબાદ રાત્રે નેન્સીની તબિયત બગડતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. નેન્સીએ 8 મહિના પહેલાં જ મિલન સાથે લગ્ન કર્યા હતા. બનાવને પગલે પોલીસે નેન્સીનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. ઘટનાને પગલે ACP આર.પી ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.