Gujarat

લઠ્ઠા-મિથેનોલ કાંડમાં જવાબદાર પ્રોહીબીશન, એક્સાઈઝ અધિકારીઓ પર પગલા ભરો : કોંગ્રેસ

અમદાવાદ: બેશરમ ભાજપ સરકાર (BJP Government) શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમિકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં (Gujarat) વર્ષ ૨૦૦૯માં પણ થયેલા લઠ્ઠાકાંડમાં ૧૪૬ લોકોના મોત (Death) થયા હતા અને ૫૪૧ લોકો અસરગ્રસ્ત થયા હતા જેમાં કેટલાય નાગરિકોએ પોતાની આંખો સહિતના અંગો ગુમાવ્યા હતા. ૨૦૦૯ના લઠ્ઠાકાંડ બાદ રચાયેલા જસ્ટિસ મહેતા કમિશને ભાજપ સરકારને ફટકાર લગાવી હતી કમિશનની ભલામણોને લાગુ કરવામાં ન આવતાં ફરી એક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો. 57 લોકોએ જીવ ગુમાવ્યો. કેમિકલ કાંડની વાતો કરતી ભાજપ સરકાર મિથેનોલ-કેમિકલના એકઝાઈઝના કર્મચારીઓ પર કાર્યવાહી કેમ નથી કરતી ? લઠ્ઠાકાંડ-મિથેનોલકાંડમાં જવાબદાર પ્રોહીબીશન, એક્સાઈઝ અધિકારીઓ પર તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી પ્રદેશ કોગ્રેસ માંગણી કરે છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ ગૃહમંત્રી-રાજ્ય સરકાર વારંવાર લઠ્ઠાકાંડને મિથેનોલ-કેમિકલકાંડ ગણાવે છે તો પ્રોહીબીશનની કલમો એફ.આઈ.આર.માં કેમ લગાવવામાં આવી ? બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના માનવસર્જીત ઘટના છે અને ભાજપ સરકાર જવાબદાર છે. પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરનો કરોડો રૂપિયાનો વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે. ભાજપના મળતિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને લીધે ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યાં છે.

ભ્રષ્ટાચારનો એપીસેન્ટર એવો ગૃહવિભાગ લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી રહી છે, પરંતુ મિથેનોલની બેરોકટોક-હેરફેર પર કેમ કોઈ કાર્યવાહી નહીં ? વર્ષ ૨૦૦૯માં કમિશનના રિપોર્ટમાં મિથેનોલ ઉપરની થતી ગેરકાયદેસર હેરફેર પર, સ્ટોરેજ પર ચાંપતી નજર રાખવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, વિજિલન્સ રાખવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યાંય અમલ થયો નહીં પરિણામે બોટાદ લઠ્ઠાકાંડમાં 57 નાગરિકોના જીવ મિથેનોલ આલ્કોહોલના લીધે ગયા છે.

Most Popular

To Top