સુરત : નવાગામ-ગીતાનગર ફાટક પાસેથી માત્ર 25ની સ્પીડમાં પસાર થતી ટ્રેનની (Train) અડફેટે આવેલા યુવાનના બંને હાથ કપાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત (Death) નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલમાંથી (Hospital) મળતી માહિતી અનુસાર ડિંડોલીના નવાગામમાં આવેલા જયરાજનગરમાં રહેતા મુકેશ વસંત બડગુજર (35 વર્ષ) લુમ્સના કારખનામાં નોકરી કરતો હતો. રાત્રે તે નવાગામ-ડિંડોલી રોડ પર આવેલા ગીતાનગર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. તેના બંને હાથ કપાઈ ગયા હતા. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વધુ લોહી વહી જવાથી તેનું મોત નિપજ્યું હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે જે સ્થળે મુકેશ ટ્રેનની અડફેટે આવ્યો ત્યાં ટ્રેનની સ્પીડ 25 થી વધુ નથી હોતી.
સરીખુર્દ ગામ પાસે મોપેડ અડફેટે ધમડાછાના આધેડનું મોત
નવસારી : સરીખુર્દ ગામ પાસે મોપેડ અડફેટે ધમડાછાના આધેડનું મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ઘાંચીવાડની પાછળ મનીષભાઈ ખંડુભાઈ હળપતિ (ઉ.વ. 42) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 7મી નવેમ્બરે મનીષભાઈ ચાલતા જતા હતા. દરમિયાન નવસારી ઘેલખડીમાં ભીમાજી કોમ્પ્લેક્ષની બાજુમાં રહેતા ભગવાનદાસ રતિલાલ ગરાસીયાએ તેમની મોપેડ (નં. જીજે-21-બીડી-8384) પુરઝડપે ચલાવી લાવી સરીખુર્દ ગામ પાસે સાઈબાબા મંદિર નજીક મનીષભાઈને ટક્કર મારતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ પ્રાથમિક સારવાર અર્થે અમલવાર આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.
જ્યાં તેમને વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ત્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની ચેતનાબેને મોપેડ ચાલક ભગવાનદાસભાઈ વિરૂદ્ધ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.