Business

ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મંદીનો માહોલ: ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ ગુડ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ

સુરત: દિવાળી (Diwali) અને એ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નસરાં (Marriage) અને નાતાલની સિઝન હોય છે, ત્યારે સામાન્ય રીતે સુરતની કાપડ માર્કેટમાં ઉત્તર અને દક્ષિણ ભારતનાં રાજ્યોની ખરીદી ઓગસ્ટ માસથી શરૂ થઈ જતી હોય છે. પણ ચાલુ વર્ષે સપ્ટેમ્બરના બીજા પખવાડિયાના આરંભ સુધી વેપાર જામ્યો ન હતો. એ પછી દિવાળીના તહેવારના સપ્તાહ પહેલાં ડિમાન્ડ નીકળી હતી. પણ હવે દિવાળી પછી લગ્નસરાં, નાતાલની સિઝન છતાં કાપડ માર્કેટમાં બહારગામનો વેપાર જામ્યો નહીં, એને લઇને સુરતના કાપડના વેપારીઓની ચિંતા વધી છે.

વધતી મોંઘવારીને લીધે સાડી, ડ્રેસ મટિરિયલ, દુપટ્ટાની કિંમતો વધવા સાથે લોકોની ખરીદ શક્તિ ઘટી, ઓક્ટોબર માસમાં જ્યાં ગયા વર્ષે 250 ટ્રક ભરી પાર્સલો ગયા ત્યાં નવેમ્બરમાં સંખ્યા ઘટીને 75થી 80 ટ્રક થઈ ગઈ છે. એટલે કે, વૈશ્વિક મોંઘવારીની અસર ભારતના ડોમેસ્ટિક કાપડ ઉદ્યોગ પર પણ પડી છે. કલર, કેમિકલ, ડાઈઝ, લિગ્નાઇટના ભાવો ઉપરાંત યાર્ન અને યાર્નના રો-મટિરિયલના ભાવો વધતાં કાપડ મોંઘું થયું છે. વૈશ્વિક મંદીને લીધે એક્સપોર્ટને અસર થઈ છે.

હિમાચલ અને ગુજરાત વિધાનસભા તથા દિલ્હીમાં મ્યુનિસિપલ ઇલેક્શનને લીધે સીનગ-PNG, રાંધણ ગેસના સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલના ભાવો વધ્યા નથી. જેવી ચૂંટણીઓ પૂરી થશે આ રાહતો ઉઠાવી લેવા સિવાય સરકાર પાસે છૂટકો નથી. આ ભાવો વધશે એ સાથે મંદી ઘેરી બનશે. અત્યારે સરકારને એ વાતે રાહત છે કે શિયાળામાં શાકભાજીનો બમ્પર પાક થતાં શાકભાજીના ભાવ ઘટ્યા છે.

એક્સપોર્ટની મંજૂરી મળતાં ખાંડના ભાવ કિલોએ 32-33 રૂપિયાથી વધી 37-38 રૂપિયા કિલોના થઈ ગયા છે. મોંઘવારીને લીધે ફેબ્રિક્સ લોકોની પ્રયોરિટીમાં પાછળ ધકેલાયું છે. એક સમયે કુટુંબમાં લગ્ન હોય ત્યારે દરેક પ્રસંગની એક એક સાડી, ડ્રેસ મટિરિયલ, દુપટ્ટાની ખરીદી થતી હતી. મહેમાનો પણ લગ્નમાં હાજરી આપવા નવેમ્બર-ડિસેમ્બરની લગ્નસરાંની સિઝન માટે કપડાં વધુ સંખ્યામાં ખરીદતા હતા. અથવા સિવડાવતા હતા. એની ખરીદીમાં કાપ મુકાયો છે. જેની અસર સુરતના કાપડ બજાર પર દેખાઈ રહી છે.

સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ ગુડ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ યુવરાજ દેસલેએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. ટેક્સટાઇલ રો-મટિરિયલ અને ડીઝલ-પેટ્રોલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં ફાઇનલ પ્રોડક્ટ મોંઘી થતાં આ અસર થઈ હોવાનું અનુમાન છે. ગયા વર્ષે સપ્ટેમ્બરના આ અરસામાં જ્યાં 250 ટ્રક રોજ ઉત્તર અને દક્ષિણ ભારત જતી હતી એમાં 50 ટકાની ઘટ દેખાઈ હતી. નવેમ્બરમાં આ સંખ્યા વધુ ઘટી રહી છે. આવી જ સ્થિતિ રેડિમેડ ગારમેન્ટની છે. હોલસેલ અને રિટેઇલ બંને સેક્ટરમાં વેપાર નથી. રેડિમેટ ગારમેન્ટનો વેપાર હવે દિવાળીના છેલ્લા પખવાડિયાનો રહી ગયો છે.

Most Popular

To Top