અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પ્રતિન ઓવરબ્રિજ નીચે નેશનલ હાઇવે (National Highway) ઉપર કારચાલકે બાઈકસવાર સાઢુ ભાઈઓને ટક્કર મારતા બંનેનાં કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. નેત્રંગ તાલુકાના કેલ્વીકૂવા ગામના વડ ફળિયામાં રહેતા ઉમેશ ચીમન વસાવાના પિતા ચીમન સોમા વસાવા અને માસા મનીષ મધુસિંગ વસાવા બાઈક નં.(જી.જે.૧૬.બી.ઇ.૨૪૩૩) લઈ અંકલેશ્વર ખાતે કામ અર્થે આવ્યા હતા. જેઓ બંને સાઢુ ભાઈઓ અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ નીચે નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરથી સુરત ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન કાર નં.(ડી.એલ.૧.સી.એ.ઇ.૯૦૪૭)ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઈકસવારોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતાં ચીમન વસાવાને તાત્કાલિક અન્ય કારસવારે સારવાર અર્થે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાજર તબીબે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મનીષ વસાવાને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પારડી હાઇવે પર કાર ચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો
પારડી : પારડી નેશનલ હાઇવે નંબર 48 હોટલ ફાઉન્ટેન સામે સુરત તરફ જતો પીકઅપ ટેમ્પોને પાછળથી આવતી નેક્શોન કાર ચાલકે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર પીકઅપ ટેમ્પો નંબર GJ 15 AT 3060 પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવતી ટાટા નેક્શોન કાર નંબર GJ 16 CN 9266ના ચાલકે કારને પાછળથી ટક્કર મારતા ટેમ્પો હાઇવે પર પલ્ટી મારી ગયો હતો. અકસ્માતમાં કાર સવાર અને ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ટેમ્પો હાઈવેના વચ્ચો વચ પલટી મારતા ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી ટેમ્પોને સાઇડે કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. જો કે અકસ્માતમાં કારના આગળના ભાગને અને ટેમ્પામાં નુકસાન થવા પામ્યું હતું.