ગાંધીનગર: અમદાવાદ સહિત સમગ્ર વિશ્વમાં યોગ કાર્યના પ્રસાર કરવા ઉપરાંત વેદાંત સંસ્કૃતિના પણ પ્રચાર સાથે સંકળાયેલા અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજીનું શનિવારે સવારે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું.
તેઓ ૭૭ વર્ષના હતા. તેમણે ઘણા યોગ શિક્ષકો પણ તૈયાર કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્વ.સ્વામી આધ્યાત્માનંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, યોગગુરુ સ્વામી અધ્યાત્માનંદજી પરમધામ સીધાવ્યા તે જાણી દુ:ખ થયું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેમણે સરળ શૈલીમાં સમજાવ્યો હતો.
યોગ શિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી છે તેનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પું છું. સ્વામી આધ્યાત્માનંદજીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ કોરોનાની સારવાર માટે પહેલા શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક દિવસ દાખલ કર્યા બાદ તેમને વધુ સધન સારવાર માટે 13 એપ્રિલે SGVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘણા દિવસોથી ચાલી રહેલી સારવાર બાદ શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું.